ગ્રીન સિટીના રસ્તાઓ પર ટ્રાફિકનો ગૂંગળામણ

Spread the love

 

ગાંધીનગરમાં કથળતી જતી ટ્રાફિક વ્યવસ્થા અને જાહેર માર્ગો પર વધતા જતા દબાણો સામે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે પોલીસની નિષ્ક્રિયતા સામે બાયો ચડાવી શહેરના મુખ્ય માર્ગો પરથી ગેરકાયદેસર પાર્કિંગ દૂર કરવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે.ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેશરીસિંહ બિહોલાએ જિલ્લા પોલીસ વડાને પત્ર લખીને જણાવાયું છે કે, શહેરના મુખ્ય સર્કલો જેવા કે ચ-3, ધ-3, ધ-5, ધ-6, ગ-2 અને ગ-3 સર્કલ પર અનેક ટ્રાફિક સિગ્નલો બંધ હાલતમાં છે. સર્કલની આસપાસ શટલિયા રિક્ષા, લારીગલ્લા અને આડેધડ પાર્કિંગના કારણે સવારે કચેરી અને શાળાના સમયે તેમજ સાંજે ભારે ટ્રાફિક જામ સર્જાય છે. જેના કારણે વાહનચાલકો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
બીજી તરફ શહેરમાં વિવિધ વિકાસકામો ચાલી રહ્યા છે. જેમાં માટી અને કપચી ભરેલા ભારે વાહનો ગતિમર્યાદાના નિયમો નેવે મૂકીને બેફામ દોડી રહ્યા છે. શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં મોડી રાત્રે અને વહેલી સવારે આ વાહનો બેરોકટોક પ્રવેશતા હોવાથી અકસ્માતનો ભય વધી રહ્યો છે. વધુમાં તેમણે ઉમેર્યું છે કે, શહેરના હાર્દ સમાન સેક્ટર-11, પથિકાશ્રમ ડેપો અને મુખ્ય સર્કલોની આસપાસ શટલિયા રિક્ષાઓ અને લારીગલ્લાઓના દબાણને કારણે રસ્તાઓ સાંકડા બની ગયા છે.સવારસાંજ કચેરી અને શાળાઓના સમયે સર્જાતા ટ્રાફિક જામને કારણે વાહનચાલકોનો કિંમતી સમય વેડફાઈ રહ્યો છે. ખાસ કરીને ધ-5થી ચ-5 સુધીના માર્ગ પર થતું આડેધડ પાર્કિંગ સામાન્ય વાહનવ્યવહાર માટે અવરોધરૂપ સાબિત થઈ રહ્યું છે.મહાસંઘે માંગ કરી છે કે જો પોલીસ તંત્ર દ્વારા સત્વરે આ દબાણો દૂર કરવામાં નહીં આવે અને ટ્રાફિક સિગ્નલો કાર્યરત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અકસ્માતોની હારમાળા સર્જાઈ શકે છે. ત્યારે વસાહત મહાસંઘની આ રજૂઆતે હવે પોલીસ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *