
16 ડિસેમ્બર, 2025ના રોજ ગુજરાત સરકારે જાહેરનામું બહાર પાડીને રોલિંગ પેપર જે માર્કેટમાં ગોગો પેપરના નામે ઓળખાય છે. તેની પર પ્રતિબંધ મૂક્યો હતો. જેમાં જણાવ્યું હતું કે સગીર અને યુવાનો ગોગો પેપરનો ઉપયોગ ગાંજો અને ચરસ જેવા નશાકારક પદાર્થોના ઉપયોગ માટે કરે છે. જેથી તેને રોકવા તેના વેચાણ, ઉત્પાદન, સ્ટોક અને ખરીદ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઉપરોક્ત જાહેરનામાને ગાંધીનગરની એલિટી પેપર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવેલ હતું. જેનું કહેવું હતું કે, રાજ્ય સરકાર પાસે આવો પ્રતિબંધ મૂકવાની સત્તા નથી. જાહેરનામું DM બહાર પાડી શકે. જે સંદર્ભે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવીને તેનો જવાબ માંગ્યો હતો. આજે ગુજરાત હાઇકોર્ટે સેક્રેટરીના જાહેરનામાના આધારે થયેલી પોલીસ ફરિયાદો પર સ્ટે આપ્યો છે. વળી અરજદાર એલિટી પેપર્સનો જમા લેવાયેલો મુદ્દામાલ 20 હજાર રૂપિયાના પર્સનલ બોન્ડ ઉપર પરત કરવા હુકમ કર્યો છે. આ સંદર્ભે વધુ કોર્ટ કાર્યવાહી આગામી સમયમાં યોજાશે.
ગત સુનવણીમાં અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા 7 ફેબ્રુઆરી, 2026ના રોજ દરેક જિલ્લાના ડિસ્ટ્રીક મેજિસ્ટ્રેટને 16 ડિસેમ્બરના જાહેરનામાના અનુસંધાને જાહેરનામું બહાર પાડવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. જોકે, હજી સુધી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા આ સંદર્ભે કોઈ નવા જાહેરનામા બહાર પાડવામાં આવ્યા નથી. ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટને કહેવાયું છે કે, સગીર અને યુવાનો દ્વારા ચરસ અને ગાંજો જેવા પદાર્થોના સેવન માટે રોલિંગ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી, તેમના જિલ્લામાં છેલ્લા 5 વર્ષના થયેલા ડ્રગ્સના કેસ ધ્યાને લઈને તેઓ તેની પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડે અને આવા પેપરનું વેચાણ અને ડ્રગ્સનું સેવન થતું હોય તો પગલા ભરે.
રાજ્ય સરકારે જણાવ્યું હતું કે આ સરકારનું પોલિસી ડિસીઝન છે. 16 ડિસેમ્બરનું જાહેરનામું, સરકારના 7 ફેબ્રુઆરીના ઠરાવથી હવે બિનઅસરકારક બન્યું છે. જોકે, અરજદારે કહ્યું હતું કે લોકો સામે કાનૂની પગલાં લેવાયા છે અને હજુ પણ લેવાઈ રહ્યા છે. જ્યારે રાજ્ય સરકારે કહ્યું હતું કે પેપરના ખરીદ વેચાણ ઉત્પાદન અને સંગ્રહ બાબતે તપાસ કરાઈ રહી છે, પગલા લેવાઇ રહ્યા નથી. સામે અરજદારે જણાવ્યું હતું કે, તેમની સામે 2 પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે વિષય જ સરકારના કાનૂની ક્ષેત્ર બહારનો છે. હાઇકોર્ટે ઓર્ડર કર્યો હતો કે, એડિશનલ એડવોકેટ જનરલના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના નવા ઠરાવથી 16 ડિસેમ્બરનો ઠરાવ બિન અસરકારક થાય છે. જેથી સરકાર આ સંદર્ભે વિગતવાર જવાબ રજૂ કરે.