
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એડિશનલ એડવોકેટ જનરલ તરીકે ડિસેમ્બર, 2023માં મિતેષ અમીનની નિમણુક કરવામાં આવી હતી. જે પદેથી તેમને રાજીનામું આપ્યું છે. તેઓએ વર્ષ 2015માં પોતાની પબ્લિક પ્રોસીક્યુટર અને ત્યારબાદ વર્ષ 2023માં એડિશનલ એડવોકેટ જનરલની નિમણૂક બદલ સરકારનો આભાર વ્યકત કર્યો હતો. તેઓએ રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પોલીસ અધિકારીઓ વગેરેના કાનૂની પ્રક્રિયાઓમાં સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ હવે સરકારી વકીલ તરીકે લાંબી સેવા આપ્યા બાદ, ખાનગી ક્ષેત્રે વકીલાત કરવાની રજૂઆત કરીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને કાયદા મંત્રીને પત્રમાં જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તેઓ અમદાવાદ વર્ષ 2008 બોમ્બ બ્લાસ્ટના ક્રિમીનલ કન્ફર્મેશનના કેસોમાં સ્પેશ્યલ પ્રોસીક્યુટર તરીકે રહેલ છે, જે ચાલુ રહેશે. મિતેષ અમીનનો જન્મ 1961માં થયો હતો. તેમને બી.કોમ અને LLBનો અભ્યાસ કરેલ છે. 1984માં તેમને સિવિલ કોર્ટથી વકીલાતની શરૂઆત કરી હતી. 1990થી તેમને સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી. જ્યારે હાઇકોર્ટમાં તેઓ 2001માં આવ્યા. તેમને કુલ 40 વર્ષનો વકીલાતનો અનુભવ છે. તેઓ ક્રિમીનલ કેસોમાં વિશેષતા ધરાવે છે. તેઓએ માણેકલાલ નાણાવટી લો કોલેજ અમદાવાદમાં પાર્ટ ટાઇમ પ્રોફેસર તરીકે પણ સેવાઓ આપેલી છે.