
અમદાવાદની 10 હોટલમાંથી ‘એનાલોગ પનીર’ (વનસ્પતિ તેલમાંથી બનેલું પનીર) મળતાં ફરી એકવાર પનીરના નામે લોકોનાં આરોગ્ય સાથે ચેડાં થતાં હોવાનું સામે આવ્યું છે. હોટલ-રેસ્ટોરન્ટ દ્વારા એનાલોગ પનીરનો ઉપયોગ થતો હોવાની જાણ કર્યા વગર જ મિલ્ક પનીરના નામે ગ્રાહકોને ધાબડી દેતાં હોવાનું સામે આવ્યું છે. સામાન્ય સમજ એવી છે કે પનીર મિલ્કમાંથી જ બને છે અને તમે જે હોશે હોશે પ્રોટીનના સોર્સ તરીકે આરોગો છો એ પનીર પણ મિલ્કમાંથી જ બનેલું છે એ મોટી ભૂલ હોઈ શકે છે, કારણ કે મિલ્ક પનીરના વિકલ્પમાં બજારમાં એનાલોગ પનીર ધૂમ વેચાઈ રહ્યું છે, જે વનસ્પતિ તેલ, પામ ઓઈલ અને મિલ્ક સોલિડથી બનાવવામાં આવે છે.
અમદાવાદની 10 હોટલમાં ગ્રાહકોને પનીર બાબતે સ્પષ્ટતા કર્યા વગર જ એનાલોગ પનીર પીરસવામાં આવતું હોવાનું ખૂલતાં દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાંથી પનીરના નમૂના લીધા હતા. 10 જેટલી હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં વેજિટેબલ અને પામ ઓઇલમાંથી બનેલા પનીરનો ઉપયોગ થતો હતો તેમજ ઓછા મિલ્ક ફેટના પનીરનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. એના પગલે ફૂડ વિભાગ દ્વારા 10 હોટલ એન્ડ રેસ્ટોરન્ટને નોટિસ આપી દંડ ફટકારવામાં આવ્યો છે. સબ સ્ટાન્ડર્ડ આવેલા પનીર અમદાવાદની ત્રણ જગ્યાએથી ખરીદવામાં આવ્યા હોવાનું સામે આવતાં ફૂડ વિભાગ દ્વારા ત્રણેય જગ્યાએ દરોડા પાડીને પનીરનો જથ્થો જપ્ત કર્યો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના નિકોલ, ઠક્કરબાપાનગર, નવરંગપુરા, સેટેલાઈટ, નારણપુરા અને આનંદનગર સહિત અલગ અલગ વિસ્તારોમાં આવેલી હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં તપાસ કરી પનીરના નમૂના લઈ કોર્પોરેશનની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. 10 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટમાં કેટલાક પનીરનું મિલ્ક ફેટ ઓછું હતું એટલે કે જે પ્રમાણ હોવું જોઈએ એ ઓછું જોવા મળ્યું હતું, જ્યારે કેટલાકમાં વેજિટેબલ ફેટ મળ્યું હતું, એટલે કે વેજિટેબલ તેલનો ઉપયોગ કરીને એનાલોગ પનીરનો ઉપયોગ કરવામાં આવતો હતો. બાપુનગર કાકડિયા હોસ્પિટલ પાસે ‘ધ લિયો પિત્ઝા’માંથી લેવાયેલું પનીર નરોડા જીઆઇડીસીની ક્રિષ્ના ડેરીમાંથી, નવરંગપુરા ક્રિષ્ના આલુ પરોઠામાં વપરાયેલું પનીર સોલા આર.કે. ડેરી પ્રોડક્ટસ અને સેટેલાઈટ ‘મા કી રસોઈ’માં ઉપયોગમાં લેવાયેલું પનીર વેજલપુર વિજય ડેરીમાંથી લેવાયું હતું.
ફૂડ વિભાગની ટીમ દ્વારા આ ત્રણે જગ્યા પર દરોડા પાડી 173 કિલો જેટલું પનીર જપ્ત કર્યું હતું. બાકીની સાત જેટલી હોટલ અને રેસ્ટોરન્ટમાં અમદાવાદ શહેરના બહારના વિસ્તારમાંથી પનીર લાવવામાં આવ્યું હતું, જેથી જે-તે જિલ્લાના ફૂડ અધિકારીને પત્ર લખી આ બાબતે જાણ કરવામાં આવી છે. દરેક હોટલ અને રેસ્ટોરન્ટને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 1 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધીમાં દૂધ- દૂધની બનાવટ, બેકરી, નમકીન, મીઠાઈ, ખાદ્ય તેલ સહિતના અલગ અલગ 495 જેટલા નમૂના લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. 1083 જગ્યા ઉપર તપાસ કરી 492 નોટિસ આપવામાં આવી છે. 823 કિલો અને 878 લીટર અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે. 6.72 લાખ રૂપિયાનો દંડ પણ વસૂલાયો છે.
મિલ્ક પનીર અને એનાલોગ પનીર ઓળખવાની રીતમાં જે પનીર પેકેટમાં ઉપલબ્ધ હોય તો પેકેટ ઉપર Milk Paneer: “Made from milk”, “Full cream milk”, “Cow/Buffalo milk” લખેલું હોય છે. જ્યારે એનાલોગ પનીરમાં “Vegetable oil”, “Palm oil”, “Milk solids”, “Starch” જેવા શબ્દો લખેલા હોય છે. જો ખુલ્લું પનીર હોય તો હાથથી દબાવીને પણ ખબર પડે છે. દૂધથી બનાવેલું પનીર નરમ અને પાણી છોડે છે, જ્યારે એનાલોગ પનીર વધુ રબર જેવું, દબાવો તો પાછું શેપમાં આવી જાય છે.