
ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપની પાછળ BAPS સ્કૂલની સામેની બાજુ આવેલી અક્ષરધામ આઇકોનિક નામની ફ્લેટ અને શૉ-રૂમની નિર્માણાધrન સાઇટ પર ગત શુક્રવારથી ગુમ થયેલા દાહોદના 29 વર્ષીય શ્રમજીવી શૈલેષ સબૂરભાઈ મિનામાની લાશ આજે સવારે લિફ્ટના પાણી ભરેલા ડકમાંથી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવાન આઠમાં કે છઠ્ઠા માળેથી લિફ્ટના ડકમાં પટકાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી શરૂ કરી છે.રાયસણ પેટ્રોલ પંપની પાછળ BAPS સ્કૂલની સામેની બાજુ આવેલી અક્ષરધામ કન્સ્ટ્રકશન સાઇટની લિફ્ટની ડકમાંથી 29 વર્ષીય દાહોદના શ્રમજીવીની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, શ્રમજીવી 20 તારીખથી કન્સ્ટ્રકશન સાઇટ પરથી ગુમ થઈ ગયો હતો. જે મામલે તેના ભાઈએ ઇન્ફોસિટી પોલીસ મથકે ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ પણ નોંધાવી હતી. જેના પગલે પોલીસ પણ શ્રમજીવીને શોધી રહી હતી. એવામાં આજે શ્રમજીવીની લાશ લિફ્ટના પાણી ભરેલા ડકમાંથી મળી આવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સેકટર-28 ગાર્ડન પાસેના કાચા છાપરામાં મૂળ દાહોદનો રાજેશ મિનામા તેના પરિવાર સાથે રહી રાયસણની અક્ષરધામ નામની કન્સ્ટ્રકશન સાઇટ પર મજૂરીકામ કરે છે. જેનો નાનો ભાઈ શૈલેષ સબૂરભાઈ મિનામાના પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનો છે. અઠવાડિયા અગાઉ શૈલેષ પરિવારને લઈને મજૂરી કામ અર્થે પોતાના ભાઈ પાસે રહેવા આવ્યો હતો.જેથી બન્ને ભાઈઓ ઉક્ત કન્સ્ટ્રકશન સાઇટ પર સાથે કામ કરતા હતા. ગત તા.20 ફેબ્રુઆરીના રોજ શૈલેષ આઠમાં માળે સાથી મજૂરો સાથે કામકાજ કરી રહ્યો હતો.
આ દરમિયાન અન્ય મજૂરોને પાણી પીને આવું કહીને તે નીચે તરફ જવા નીકળ્યો હતો. જોકે, એક કલાકથી વધુ સમય થવા છતાં શૈલેષ પરત નહીં ફરતા સાથે મજૂરોએ તેની શોધખોળ આદરી હતી પરંતુ, મોડે સુધી તેનો ક્યાય પત્તો લાગ્યો ન હતો. આથી તેના ભાઈ રાજેશે ઇન્ફોસિટી પોલીસ મથકે ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે પણ શૈલેષની તલાશ શરૂ કરી દીધી હતી. એવામાં આજે સવારે કન્સ્ટ્રકશન સાઇટની ગ્રાઉંડ ફ્લોર પર લિફ્ટના પાણી ભરેલા ડકમાંથી શૈલેષની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. જેના પગલે મજૂરોમાં ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ થતા ઇન્ફોસિટી પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. એ સમયે મૃતકના ભાઈ અને પરિવારે લાશ સ્વીકારવાનો ઈનકાર કરી દેવાયો હતો. જેના પગલે પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. જોકે, પોલીસે સમજાવટ બાદ લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. આ અંગે હેડ કોન્સ્ટેબલ અનુપસિંહે કહ્યું કે,અક્ષરધામ કન્સ્ટ્રકશન સાઇટની લિફ્ટની પાણી ભરેલા ડકમાંથી શૈલેષની લાશ મળી આવી છે. 20મી ફેબ્રુઆરીએ આઠમાં માળે કામ કરતી વેળાએ શૈલેષ પાણી પીવાનું કહીને નીચે તરફ ગયો હતો. આ દરમ્યાન કોઈ રીતે શૈલેષ ઉપરના માળેથી લિફ્ટમાં નીચે પટકાયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. લિફ્ટમાં પડવાથી ઇજાઓ થવાથી તેનું મોત થયું હોવું જોઈએ. લિફ્ટના ખાડામાં પાણી હોવાથી અગાઉ શોધખોળમાં લાશ દેખાઈ ન હતી પરંતુ આટલા દિવસો બાદ મૃતદેહ ફૂલીને ઉપર આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.આટલા દિવસ લાશ પાણીમાં રહેવાથી આજે ઉપર આવી ગઈ હતી. આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી હાલમાં પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી ચાલી રહી છે. પીએમ રીપોર્ટ પછી મોતનું ચોક્ક્સ કારણ જાણવા મળશે.