મહાશિવરાત્રિએ પંચેશ્વર મંદિરના પટાંગણમા
ઐતિહાસિક વિશાળ હિન્દુ સંમેલન યોજાયું :
બાળકોની સાંસ્કૃતિક પ્રસ્તુતિએ આકર્ષણ જમાવ્યું .
————————————————————————-
હિન્દુ સંમેલનમાં સફાઇ કામદાર ભાઇબહેનોનું વિશેષ સન્માન કરી સામાજિક સમરસતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પડાયું
—————————————————————————
પંચેશ્વર મંદિરના પટાંગણમાં આજે રાત્રે ઐતિહાસિક વિશાળ હિન્દુ સંમેલન યોજાયું હતું તેમાં રાયસણ વિસ્તારની સનાતન ધર્મપ્રેમી જનતાએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી સંમેલનને સફળ બનાવ્યું હતું. જૈનમુનિ પૂજ્ય સંજય મુનિ , સમાજ શ્રેષ્ઠી જિજ્ઞેશ કાનાબાર તેમજ ગાંધીનગર જિલ્લા કાર્યવાહ શ્રી પંકજભાઇ ચુડાસમાએ દીપ પ્રગટાવીને હિન્દુ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું . રાયસણ વિસ્તારની જુદી જુદી સોસાયટીના રહીશો ધર્મ ધ્વજા સાથે વિશાળ સંખ્યામાં સંમેલન સ્થળે આવી પહોંચ્યા ત્યારે વંદેમાતરમ અને ભારત માતા કી જય ના નારા સાથે વાતાવરણ રાષ્ટ્રભક્તિથી ગુંજી ઉઠ્યું હતું . હિન્દુ સંમેલનમાં આ જ વિસ્તારનાં બાળકોએ હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનાં થીમ ઉપર એકાંકી નાટક, વેશભૂષા ,નૃત્ય, વક્તૃત્વ જેવા નયનરમ્ય કાર્યક્રમો રજૂ કરીને બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
કેપીટલ ક્રાઉન સોસાયટીના ૨૭ ભૂલકાંએ નયનરમ્ય દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. આ પ્રસંગે સામાજિક સમરસતા કેળવવાના ભાગ રુપે આ વિસ્તારમાં સફાઇની સેવા કરતા સફાઈકર્મચારી ભાઇ બહેનોનું તિલક કરી , પુષ્પવર્ષા કરી શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું ત્યારે ઉપસ્થિત જનમેદનીના ચહેરા પર કૃતજ્ઞતા નો ભાવ જોવા મળ્યો હતો . આ પ્રસંગે સમાજના જુદા જુદા વર્ગમાંથી આવનાર પૂજ્ય સંજય મુનિ, શ્રી જિજ્ઞેશ કાનાબાર અને શ્રી પંકજભાઇ ચુડાસમાએ હિન્દુ સંસ્કૃતિનાં જુદા જુદા પાસાં ઉજાગર કરતાં અને પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય, સ્વ બોધ, સામાજિક સમરસતા જેવા વિષયો પ્રત્યે આપણું શું દાયિત્વ છે તે વિશે મનનીય ઉદ્બોધન કર્યું હતું . હિન્દુ સંમેલન પૂર્ણ થયા બાદ ઉપસ્થિત જનમેદની આર્ટ ઓફ લિવિંગ , ગાંધીનગર , શ્રી રામ સખા મંડળ અને જુદી જુદી ભજન મંડળીઓના સાનિધ્યમાં શિવ ભજન થકી શિવ આરાધના પંચેશ્વર મહાદેવની મહા આરતી કરવામાં આવી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ગાંધીનગર શહેર અને સમગ્ર ગાંધીનગર જિલ્લા માં રાયસણનું પંચેશ્વર મંદિર એક માત્ર એવું તીર્થધામ છે જ્યાં પંચેશ્વર મહાદેવ,અંબાજીમાતા, રાધાકૃષ્ણ ભગવાન, બાલકૃષ્ણ, રામજી મંદિર, દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરતા શ્રી મનેકામનાપૂર્ણ હનુમાનજી , શ્રી ગણપતિ મંદિર, શનિદેવ, બળિયાદેવ, શિતળા માતાનાં મંદિરો આવેલાં હોઇ દરરોજ નિયમિત રીતે હજારો ભક્તજનો પંચેશ્વર મંદિરમાં દર્શન લાભ લઇ ધન્યતા અનુભવે છે.વિશેષકરીને મનોકામનાપૂર્ણ હનુમાનજીનાં દર્શન કરવા મંગળવાર અને શનિવારે ભક્તોની લાંબી લાઇન લાગતી હોય છે. કહેવાય છે કે મનેકામનાપૂર્ણ હનુમાનજીની બાધા રાખનારા ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોઇ ભક્તો બાધા આખડી છોડવા પણ મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે.

