આદિવાસીઓની જમીન સુરક્ષીત રહે, ૭૩એએ ના કાયદાની અમલવારી પૂરેપૂરી થાય તે સરકાર માટે અત્યંત જરૂરી : ડો. તુષાર ચૌધરી

Spread the love
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર એ. ચૌધરી

૩ વર્ષ પહેલાં ૧૦ વર્ષ પહેલાં કે ૩૦ વર્ષ પહેલાં ખોટું થયું હોય,
પરંતુ ખોટું એ ખોટું જ છે – ડો. તુષાર ચૌધરી

અમદાવાદ

આજરોજ વિધાનસભા ગૃહમાં મહેસુલ વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર એ. ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકારમાં જિલ્લાના વહીવટી વડા તરીકે કલેક્ટર બિરાજમાન હોય છે અને તેમના નેજા હેઠળ જિલ્લાનો તમામ વહીવટ પણ થતો હોય છે ત્યારે ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં જે નગરપાલિકાઓ આવેલી છે તે આદિવાસી વિસ્તારની અંદર મોટા શહેરો આવેલા છે તેમાં મોટાપાયે આદિવાસીઓની જમીન વિલથી કે વારસાઈ કરાવીને લખાવી લેવામાં આવે છે ત્યારબાદ તેને એન.એ. કરાવવામાં આવે છે અને એન.એ. કરાવ્યા બાદ ત્યાં મોટી-મોટી સોસાયટીઓ બનાવવામાં આવે છે, બિલ્ડીંગો બનાવવામાં આવે છે. આવા કિસ્સામાં જ્યારે આદિવાસી ફરિયાદ કરવા માટે જાય ત્યારે મામલતદારની કોર્ટમાં જીતી જાય, ડેપ્યુટી કલેક્ટરની કોર્ટમાં જીતી જાય, કલેક્ટરમાં પણ જીતી જાય, તો મહેસુલ પંચ સુધી પહોંચે તેમાં પણ આદિવાસી જીતી જાય તો હાઈકોર્ટમાંથી સ્ટે લાવીને દસ-વીસ વર્ષ સુધી આ સ્ટે પર કોઈ કાર્યવાહી થતી નથી, જેથી જે આદિવાસીએ જમીન ગુમાવી હોય એને ન્યાય મળતો નથી. ઘણા કિસ્સામાં એવું પણ બને છે કે, આદિવાસી મામલતદાર કોર્ટમાં જીતી જાય અને ડેપ્યુટી કલેક્ટરની કોર્ટમાં હારી જાય. ઘણા કિસ્સામાં એવું બને છે કે, મામલતદાર કોર્ટમાં પણ જીતી જાય, ડેપ્યુટી કલેક્ટરમાં પણ જીતી જાય તો કલેકટરમાં કેસ હારી જાય. ઘણાં કિસ્સામાં એવું બને છે કે, મામલતદારમાં જીતે, ડેપ્યુટી કલેકટરમાં જીતે, કલેકટરમાં જીતે તો મહેસુલ પંચમાં હારી જાય. મારો પ્રશ્ન એ છે કે, જમીન એક છે, મહેસૂલ વિભાગનો કાયદો એક છે તો આવી રીતે અધિકારીઓ ઉલટ-સુલટ જજમેન્ટ આપે તો જે અધિકારી ખોટું જજમેન્ટ આપતો હોય તો તેની જવાબદારી કોઈ બને કે ના બને ? કારણ કે અત્યારે મોટાપાયે એક ઘટનાક્રમ ચાલી રહ્યો છે. હાઈકોર્ટે એક રૂલિંગ આપેલું હતું કે કોઈપણ પૂર્વ કલેકટર હોય, પૂર્વગામી કલેકટરના નિર્ણયનો સુઓમોટો નિર્ણય તત્કાલીન કલેકટરે કરવો હોય તો એ ત્રણ વર્ષની અંદર જ કરવો પડે. આ છટકબારીનો લાભ લઈને આજે પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે, આદિવાસીઓની જમીનને રક્ષણ કરવા માટેનો ૭૩એએનો જે કાયદો હતો તે કાયદો આજે આ નિર્ણયને કારણે વાસ્તવમાં ટકી શકે એવો નથી. ૩ વર્ષ પહેલાં ખોટું થયું હોય, ૧૦ વર્ષ પહેલાં ખોટું થયું હોય કે ૩૦ વર્ષ પહેલાં ખોટું થયું હોય, ખોટું એ ખોટું જ છે. મારી સરકારશ્રીને વિનંતી છે કે, આદિવાસીઓની જમીન સુરક્ષીત રહે, ૭૩એએ ના કાયદાની અમલવારી પૂરેપૂરી થાય તે જોવું અત્યંત જરૂરી છે. ઘણા કિસ્સામાં બે-ત્રણ કરોડના દંડની એન્ટ્રી જમીનમાં પડી ગઈ છે પણ એ દંડની વસુલાત કરવાની કોઈ કાર્યવાહી થતી નથી અને જેના ઉપર દંડ કરવામાં આવેલ છે એની સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે આદિવાસીને આવા કિસ્સામાં ન્યાય મળતો નથી.

ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લામાં નકલી કલેકટર કચેરી પકડાઈ, નકલી કલેકટર કચેરીમાંથી રૂ. ૨ હજાર કરોડ જેટલી કિંમતની જમીનના એન.એ.ના ઓર્ડર થઈ ગયા તો પણ સરકારને ખબર જ ના પડી ? ગાંધીનગરના કલેકટર રૂ. ૨૦ હજાર કરોડના જમીન કૌભાંડમાં જેલમાં છે. સુરતમાં જે જમીનની વર્તમાન બજાર કિંમત રૂ. ૨ હજાર કરોડ જેટલી થવા જાય છે તે જમીન ૧૯૫૬માં શ્રી સરકાર બોલતી હતી એ જમીનમાં ૩૦ જેટલા નામો કલેક્ટરશ્રી, સુરતે ચડાવી દીધા. સરકારે તુરંત કાર્યવાહી કરીને કલેકટરને તો સસ્પેન્ડ કરી દીધા પરંતુ જમીનનું શું થયું ? તે મોટો પ્રશ્ન છે. સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડમાં જેલમાં છે ફરિયાદીને સરકાર ઉપર વિશ્વાસ નહોતો એટલે સીધો એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરવામાં આવી અને એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટમાંથી તપાસ આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટની તપાસમાં માત્ર ૧૧ મહિનામાં જ રૂ. ૯ કરોડ ૬૦ લાખની લાંચ લીધી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં ૫૦% હિસ્સો કલેક્ટરનો, ૨૫% હિસ્સો ડેપ્યુટી કલેક્ટરનો અને બાકીના ૨૫% હિસ્સામાં બાકીના અધિકારીઓ હતા. સુરેન્દ્રનગરના નાયબ મામલતદારના ઘરે ઈ.ડી.એ રૂ. ૬૭ લાખ ૫૦ હજાર રોકડા પકડ્યા.

ડો. ચૌધરીએ જણાવ્યું હતું કે, આવા જે કલેકટર હજાર કરોડ, બે હજાર કરોડનું કે દસ હજાર કરોડનું કૌભાંડ કરતા હોય એની પાછળ કોણ છે ? કયા ભૂમાફિયાનું દબાણ છે ? કયા કોર્પોરેટનું દબાણ છે ? કઈ ઈન્ડસ્ટ્રીયલ લોબીનું દબાણ છે ? કે કયા રાજકીય માણસનું દબાણ છે ? એની તપાસ કેમ થતી નથી ? એ તપાસ પણ થવી જોઈએ. કલેકટર સામે કાર્યવાહી કરીને એને બલીનો બકરો બનાવી દેવાય છે ત્યારે કોના દબાણ હેઠળ કલેકટર કામ કરી રહ્યા છે ? તેની તપાસ થવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *