Breaking News: ચૌધરી-રબારી જૂથ અથડામણને કાબૂમાં લેવા ગયેલ પોલીસ પર હુમલો, 4 કર્મીને ઈજા, ટીયરગેસના શેલ છોડાયા, 40ની અટકાયત

Spread the love

 

બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ વિસ્તારમાં આવતા ઉણ ગામે આજે શાંતિ ડહોળાઈ છે. ચૌધરી અને રબારી સમાજ વચ્ચે થયેલી ઉગ્ર બબાલમાં પથ્થરમારો, લાકડીઓથી હુમલો અને મોટાપાયે તોડફોડની ઘટનાઓ સામે આવી છે. આ હિંસામાં અંદાજે 20 થી 25 જેટલી મોંઘીદાટ ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા છે, જેના કારણે ગામમાં રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ હતી.

વિવાદનું મુખ્ય કારણ શું છે?

આ સમગ્ર વિવાદના મૂળમાં એક વર્ષ જૂની ઘટના રહેલી છે. મળતી માહિતી મુજબ, ઉણ ગામના રબારી સમાજના એક યુવકે ચૌધરી સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ મામલે ચૌધરી સમાજમાં લાંબા સમયથી રોષ હતો. આજે ભાભરના રૂણી ગામે ચૌધરી સમાજનું એક મહાસંમેલન યોજાયું હતું, જેમાં યુવતીને પરત સોંપવાની માગણી સાથે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

નિર્દોષ લોકો પર હુમલો અને આતંક

મહાસંમેલન બાદ ઉશ્કેરાયેલા યુવાનોના ટોળા ઉણ ગામે પહોંચ્યા હતા. ચોંકાવનારી બાબત એ છે કે, આ વિવાદ સાથે જેને કોઈ લેવાદેવા નહોતી તેવા ઈન્દ્રસિંહ વાઘેલા નામના ગ્રામજનના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ટોળાએ ઘરમાં ઘૂસી તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. આ હુમલા બાદ સ્થાનિક રબારી સમાજ અને ચૌધરી સમાજના લોકો લાકડીઓ લઈ આમને-સામને આવી ગયા હતા.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ઘટનાની ગંભીરતાને જોતા બનાસકાંઠા એલસીબી, એસઓજી સહિત વાવ અને થરાદ પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઉણ ગામે દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસો તેજ કર્યા છે અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.

સામાજિક વિવાદો જ્યારે હિંસક સ્વરૂપ ધારણ કરે છે ત્યારે નિર્દોષ લોકોએ પણ તેનો ભોગ બનવું પડે છે. પોલીસ હાલમાં આરોપીઓની ઓળખ કરી રહી છે અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.

શું થી કાર્યવાહી

પોલીસે અત્યાર સુધીમાં 40થી વધુ હુમલાખોરોની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે. વિફરેલા ટોળાએ પોલીસ તેમજ મીડિયા પર પણ ભારે પથ્થરમારો કર્યો હતો, જેમાં 4 પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હિંસક અથડામણને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવાની સાથે ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી,

ટોળાએ પોલીસ સાથે સંઘર્ષ કરતા બળપ્રયોગ કરવો પડ્યો હતો પરંતુ હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. હાલમાં ઉણ ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે, જ્યાં રેન્જ IG અને બે એસપી સહિત 300થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે, જ્યારે બીજી તરફ ચૌધરી સમાજના આગેવાનો અને ગ્રામજનો દ્વારા શાંતિ જાળવવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *