રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાં સમગ્ર રાજ્યમાં રાજકીય ચહલપહલ વધતી જોવા મળી રહી છે. 26 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે, જેને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ ભાજપની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC)ની મહત્વપૂર્ણ બેઠક આજે પૂર્ણ થઈ છે, જેમાં ચૂંટણીની વ્યૂહરચના સાથે ઉમેદવાર પસંદગી માટે કડક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. પક્ષે સંગઠનને વધુ મજબૂત બનાવવા અને નવા ચહેરાઓને આગળ લાવવા માટે આ વખતે ‘નો રિપીટ’ જેવો આકરો અભિગમ અપનાવ્યો છે.
60 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને ટિકિટ ન આપવાનો નિર્ણય કર્યો બેઠકમાં લેવાયેલા મોટા નિર્ણય મુજબ, હવે સંગઠનના હોદ્દેદારોને ચૂંટણી લડવાની મંજૂરી નહીં મળે. વોર્ડ પ્રમુખો અને જિલ્લા પ્રમુખો ઉમેદવારી કરી શકશે નહીં, જેથી તેઓ સંપૂર્ણ રીતે સંગઠનને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. સાથે જ, ભાજપે વયમર્યાદા નક્કી કરતા 60 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને ટિકિટ ન આપવાનો નિર્ણય કર્યો છે. સતત ત્રણ ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને પણ આ વખતે આરામ આપવામાં આવશે.
પક્ષ માટે નિષ્ઠાપૂર્વક કામ કરનાર કાર્યકરોને પ્રાથમિકતા ભાજપના નેતૃત્વએ સ્પષ્ટ કર્યું છે કે, ટિકિટ વિતરણમાં વર્ષોથી પક્ષ માટે નિષ્ઠાપૂર્વક કામ કરનાર કાર્યકરોને પ્રાથમિકતા આપવામાં આવશે. પાયાના કાર્યકરોને સત્તામાં ભાગીદારી આપવાનો પક્ષનો મુખ્ય ઉદ્દેશ્ય છે. બેઠક દરમિયાન આગામી દિવસોમાં લોકસંપર્ક અભિયાનને તેજ બનાવવા અને પેજ સમિતિઓને વધુ સક્રિય કરવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ભાજપના આ ‘શુદ્ધિકરણ’ અભિગમથી પક્ષના અનેક દિગ્ગજ નેતાઓમાં ચિંતા અને ફફડાટ ફેલાયો છે, જેના કારણે ટિકિટ માટેની દોડ વધુ રસપ્રદ બનવાની શક્યતા છે.
ભાજપના વિકાસના એજન્ડાને લોકો ફરી એકવાર સમર્થન આપશે- વાઘાણી
જીતુ વાઘાણીએ આ જાહેરાતને આવકારતા જણાવ્યું કે, એકસાથે આટલી મોટી ચૂંટણી યોજાશે તે રાજ્ય માટે ઐતિહાસિક ગૌરવ છે. તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે લાંબી ચૂંટણી પ્રક્રિયામાં નાના-મોટા વિક્ષેપ જોવા મળતા હોય છે, પરંતુ આ વખતે ટૂંકા ગાળામાં જ જનતાને પોતાના પ્રતિનિધિઓ પસંદ કરવાની તક મળશે, જે લોકશાહી માટે સકારાત્મક છે. વાઘાણીએ જણાવ્યું કે, લોકશાહીના આ મહાપર્વમાં જનતાએ વધુમાં વધુ મતદાન કરીને વિકાસની દિશામાં કાર્ય કરનાર પ્રતિનિધિઓને પસંદ કરવા જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભાજપના વિકાસના એજન્ડાને લોકો ફરી એકવાર સમર્થન આપશે.
‘ઉમેદવારો માટેના ક્રાઈટેરિયા નક્કી થશે’
ઉમેદવાર પસંદગી અંગે મહત્વપૂર્ણ માહિતી આપતાં વાઘાણીએ જણાવ્યું કે, આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને ચૂંટણી સમિતિની બેઠક યોજાશે. આ બેઠકમાં ઉમેદવારો માટેના માપદંડ (ક્રાઈટેરિયા) નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ પાર્ટી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે ભાજપ પારદર્શક અને લોકશાહી ઢબે ઉમેદવારોની પસંદગી કરે છે.