ઈઝરાયેલને “માનવતા માટે કેન્સર’ કહેનાર પાક.ને ધમકી મળતા ફફડ્યું; રક્ષા મંત્રી ખ્વાજા આસિફે પોસ્ટ ડિલીટ કરી

Spread the love

નવી દિલ્હી : પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફને ઈઝરાયેલ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવી ભારે પડી છે. ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલય તરફથી મળેલી કડક ફટકાર બાદ, પાકિસ્તાની રક્ષા મંત્રીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ઈઝરાયેલ વિરોધી પોસ્ટ ડિલીટ કરવાની ફરજ પડી છે. આ ઘટનાને આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનના `રાજદ્વારી શરણાગતિ’ તરીકે જોવામાં આવી રહી છે.

શું હતો સમગ્ર વિવાદ?

પાકિસ્તાનમાં યોજાનારી ‘ઈસ્લામાબાદ વાર્તા’ પહેલા ખ્વાજા આસિફે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઈઝરાયેલને ‘માનવતા માટે કેન્સર’ ગણાવ્યું હતું. આ નિવેદન પર ઈઝરાયેલે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું હતું.

 

નેતન્યાહુના કાર્યાલયે આ ટિપ્પણીને ‘અપમાનજનક’ ગણાવતા કહ્યું હતું કે, જે દેશ પોતે મધ્યસ્થી હોવાનો દાવો કરતો હોય તેની પાસેથી આવી ભાષા સહન કરી શકાય નહીં.

 

પાકિસ્તાન બેકફૂટ પર

આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણાની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું છે. ઈઝરાયેલની કડક વાંધાજનક પ્રતિક્રિયા બાદ તુરંત જ પોસ્ટ હટાવી દેવી એ સાબિત કરે છે કે પાકિસ્તાન હાલમાં કોઈ પણ પ્રકારનું વૈશ્વિક દબાણ સહન કરવાની સ્થિતિમાં નથી.

 

ભારતને પણ આપી હતી `ગીદડધમકી’

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ ખ્વાજા આસિફે ભારતને પણ ધમકી આપતા કહ્યું હતું કે જો ભારત કંઈપણ કરશે તો પાકિસ્તાન ‘કોલકાતા’ સુધી હુમલો કરી શકે છે. જોકે, ઈઝરાયેલના કિસ્સામાં પાકિસ્તાને જે રીતે પીછેહઠ કરી છે, તે જોતા નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાનની ‘જવાબદાર શાંતિદૂત’ તરીકેની છબીને મોટું નુકસાન પહોંચ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *