કોરોનાને કારણે રાજ્યમાં અનેક વેપાર ધંધા પર વિપરિત અસર પડી છે. ત્યારે એક વર્ષ જેટલો સમય સુધી કોર્ટની કામગીરી બંધ રહેતાવકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા વકીલોની આર્થિક સ્થિતિ ખુબ કથળી છે. પરિણામે વકીલોએ પોતાની સનદ જમા કરવાની અન્ય વેપાર ઘંધા શરુ કર્યા હતા. જેથી આમ આદમી પાર્ટીના લીગલ સેલ દ્વારા મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખીને માંગણી કરી છે કે વકીલોને આર્થિક મદદ મળે. જેમાં ઓછા વ્યાજની લોન, પ્રોપર્ટી ટેક્ષ, અન્ય ટેક્ષમાં બે વર્ષ સુધી રાહત આપવામાં આવે કે જેથી વકીલો આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવી શકે. હાલ રાજ્યમાં હજારો વકીલોની કોવિડના કારણે આર્થિક સકંળામણ અનુભવી રહ્યા છે.
આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રમુખ પ્રણવ ચંદારાણાએ જણાવ્યું છે કે તાજેતરમાં રાજ્ય સરકારે હોટલ અને ફુડ ઇન્ડસ્ટ્રીઝને રાહત આપી, અનેક વેપારીઓને પણ રાહત આપી પણ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા વકીલોને કોવિડના કપરા કાળમાંથી રાહત મળે તે માટે કોઇ જાહેરાત નથી કરી. કોવિડના કારણે રાજ્યના અદાલતો બંધ રહેતા વકીલોને ખુબ મોટો આર્થિક ફટકો પડ્યો છે. જેમાં હજારો વકીલોની આવક લગભગ નહીવત થઇ ગઇ હતી. તેવામાં જો રાજ્ય સરકાર દ્વારા વકીલોને રાહત મળે તે માટે પ્રોપર્ટી ટેક્ષ અને લાઇટબીલમાં રાહત આપવામાં આવે. હાલ સ્થિતિ એવી છે કે અનેક વકીલોએ પોતાની સનદ જમા કરાવીને ચા નાસ્તાના લારી કે અન્ય વેપાર ધંધા શરુ કર્યા છે. ત્યારે વકીલોને આર્થિક રાહત મળે તે માટે રાજ્ય સરકાર વકીલો માટે પણ કોઇ રાહત પેકેજ જાહેર કરે તે જરુરી છે.