
Gujarat જેલોમાં ક્ષમતા ઓછી, કેદીઓની ભીડ વધારે
અહેવાલ મુજબ, ગુજરાતની તમામ જેલોની કુલ ક્ષમતા 14,108 કેદીઓને રાખવાની છે, પરંતુ હાલમાં તેમાં 17,766 કેદીઓને ગોંધી રાખવામાં આવ્યા છે. જેમાં સેન્ટ્રલ જેલમાં 7,740ની ક્ષમતા સામે અધધ 10,556 કેદીઓ, ડિસ્ટ્રિક્ટ જેલમાં 3,926ની ક્ષમતા સામે 4,567 કેદીઓ અને સબ જેલમાં 1180 ની ક્ષમતા સામે 1815 કેદીઓ નોંધાયા છે.
ન્યાયની રાહ જોતા કાચા કામના કેદીઓનો રાફડો
જેલમાં બંધ કુલ કેદીઓમાંથી માત્ર 29.40% (5231) કેદીઓ જ એવા છે જેમનો ગુનો કોર્ટમાં સાબિત થઈ ચૂક્યો છે અને તેઓ સજા કાપી રહ્યા છે. આ દોષિતોમાં 5071 પુરુષ, 157 મહિલાઓ અને 3 ટ્રાન્સજેન્ડર છે.
સૌથી મોટી ચિંતાની વાત એ છે કે જેલોમાં 69.20% એટલે કે 12,286 કેદીઓ અન્ડરટ્રાયલ છે, જેઓ હજુ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. આ કાચા કામના કેદીઓમાં 4,636 કેદીઓ છેલ્લા 3 મહિનાથી જેલમાં છે, જ્યારે 429 કેદીઓ તો એવા છે જેઓ છેલ્લા 5 વર્ષથી વધુ સમયથી જેલના સળિયા પાછળ ન્યાયની પ્રતીક્ષામાં છે. આ સિવાય અન્ય 249 કેદીઓને ડિટેન્શન (અટકાયત) હેઠળ રાખવામાં આવ્યા છે.
કયા ગુનાના કેટલા કેદીઓ?
ગંભીર ગુનાઓની વાત કરીએ તો ગુજરાતની જેલોમાં હાલ 2460 કેદીઓ હત્યા (મર્ડર) ના ગુના હેઠળ અને 754 કેદીઓ બળાત્કાર જેવા જઘન્ય અપરાધ હેઠળ બંધ છે. સજાના આંકડાઓ પર નજર કરીએ તો, મહત્તમ 3411 કેદીઓ આજીવન કારાવાસ (આખી જિંદગીની જેલ) ની સજા ભોગવી રહ્યા છે, જ્યારે 48 થી વધુ કેદીઓને કોર્ટ દ્વારા મૃત્યુદંડ(ફાંસી) ની સજા ફટકારવામાં આવેલી છે. વિદેશી કેદીઓમાં સૌથી વધુ 26 પાકિસ્તાની નાગરિકો ગુજરાતની જેલમાં કેદ છે.
ગુનેગારોમાં શિક્ષિતો અને યુવાનોનું પ્રમાણ ચિંતાજનક
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે અભણ લોકો વધુ ગુના કરે છે, પરંતુ આંકડા કંઈક અલગ જ વાર્તા કહે છે. શિક્ષણની દૃષ્ટિએ જોઈએ તો, ગુનો પુરવાર થયો હોય તેવા દોષિતોમાં 209 ગ્રેજ્યુએટ, 64 પોસ્ટ ગ્રેજ્યુએટ અને 47 જેટલા ડિગ્રી-ડિપ્લોમા હોલ્ડર છે. ઉંમરના આંકડા મુજબ, સૌથી વધુ ગુના 30 થી 50 વર્ષના વયજૂથમાં નોંધાયા છે જેમાં 2825 દોષિત અને 5742 અન્ડરટ્રાયલ કેદીઓ છે, જ્યારે 18 થી 30 વર્ષના યુવાવર્ગમાં પણ 1487 દોષિત અને 5603 જેટલા અન્ડરટ્રાયલ કેદીઓ નોંધાયા છે, જે સ્પષ્ટ દર્શાવે છે કે યુવાનો મોટાપાયે ગુનાખોરીના રસ્તે ચઢી રહ્યા છે.