ગાંધીનગર મહાનગરપાલિકાના રહીશો પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ગુણવત્તાવાળું શિક્ષણ સરકારી રાહે આપી શકે તેવું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. ચાલું નવા શૈક્ષણિક વર્ષથી ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પાંચ સ્થળો ખાતે અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આપતી કે.જી.-૧ થી ધોરણ- ૧ સુધીના વર્ગો શરૂ કરવામાં આવનાર છે, તેવું મ્યુનિસિપલ કમિશનર શ્રી ર્ડા. રતનકંવર ગઢવીચારણે જણાવ્યું છે. ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી ર્ડા. રતનકંવર ગઢવીચારણે જણાવ્યું છે કે, ગાંધીનગર મહાનગરપાલિકામાં રહેતા નાગરિકો પોતાના બાળકોને આજના સ્પર્ધાત્મક યુગમાં અંગ્રેજીનું મહત્વ ખૂબ છે. આ સમયે ગાંધીનગરમાં વસતા વાલીઓ પોતાના બાળકોને ગુણવત્તાવાળું અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ ઓછા ખર્ચે આપી શકે તેવા ઉમદા આશયથી ગાંધીનગર મહાનગરપાલિકા અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર શહેરી વિસ્તારમાં પાંચ અલગ અલગ સ્થળો ખાતે અંગ્રેજી માધ્યમની કે.જી-૧ અને ૨ તેમજ ધોરણ – ૧ ની અંગ્રેજી માઘ્યમથી શાળાઓ ચાલુ શૈક્ષણિક વર્ષથી ચાલું કરવામાં આવનાર છે. આ અંગ્રેજી માધ્યમનું શિક્ષણ કાર્ય તા. ૦૧ જુલાઇ, ૨૦૨૧ના રોજથી કોરોના ગાઇડલાઇન્સ પ્રમાણે શરૂ કરવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા, બાસણ, સરકારી પ્રાથમિક શાળા, સેકટર- ૨૯, સરકારી પ્રાથમિક શાળા, સેકટર-૨૪, સરકારી પ્રાથમિક શાળા, સે.૧૩, સરકારી પ્રાથમિક શાળા, ઇન્દ્રોડા શાળા અંગ્રેજી માધ્યમના વર્ગો શરૂ કરવામાં આવનાર છે. જે વાલીઓ પોતાના બાળકોને ઉત્તમ અને ગુણવત્તાવાળું અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ અપાવવા માંગતા હોય તેમણે પોતાના બાળકોનો પ્રવેશ સમય મર્યાદામાં શાળાના આચાર્યનો સંપર્ક કરી મેળવવાનો રહેશે. શાળાના આચાર્યશ્રીઓનો પ્રવેશ મેળવવા માટે સવારના ૯.૦૦ થી ૧૧.૦૦ કલાક દરમ્યાન સંપર્ક કરવાનો રેહશે.