ઈંધણ બચત માટે ગુજરાત સરકાર એક્શનમાં, DyCM હર્ષ સંઘવીએ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા કરી અપીલ

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં ઈંધણ બચત માટે કરવામાં આવેલી અપીલનો ગુજરાત સરકાર દ્વારા ઝડપી અમલ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલના વધતા વપરાશને નિયંત્રિત કરવા માટે વિવિધ પગલાં લેવાની શરૂઆત કરી છે. તેની અસર આજે ગાંધીનગર સચિવાલયમાં યોજાયેલી કેબિનેટ બેઠક પહેલા જ જોવા મળી હતી.

રાજ્યના અનેક મંત્રીઓ કાર પુલિંગ કરીને અને ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરીને સચિવાલય પહોંચ્યા હતા.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ પોતાની સરકારી કાર છોડીને મંત્રી કૌશિક વેકરિયાની કારમાં આવ્યા હતા. સરકારના આ પગલાને ઈંધણ બચત તરફનું પ્રતિકાત્મક પરંતુ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જાહેર પરિવહન વધુ મજબૂત બનાવવા માટે આવતીકાલથી 300 નવી ST બસો દોડતી કરવામાં આવશે. ખાસ વાત એ છે કે, કોઈ વિશેષ સમારોહ વિના સીધી બસ સેવા શરૂ કરવામાં આવશે જેથી લોકો ઝડપથી તેનો લાભ લઈ શકે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર ઈંધણ બચાવવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે અને લોકોને પણ આ અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી રહી છે.

 

સરકારે હવે સરકારી કર્મચારીઓ માટે પણ ખાસ સૂચનાઓ જાહેર કરી છે. અન્ય જિલ્લાઓના અધિકારીઓ અને કર્મચારીઓને સામાન્ય બેઠકો માટે ગાંધીનગર બોલાવવામાં નહીં આવે. તેના બદલે મોટાભાગની મીટિંગો વર્ચ્યુઅલ માધ્યમથી યોજાશે. વિભાગના વડાઓને ઓનલાઈન મીટિંગોને પ્રાથમિકતા આપવા સૂચના આપવામાં આવી છે.

 

સરકારના આ નિર્ણયથી ઈંધણ બચત સાથે ટ્રાફિકમાં ઘટાડો અને પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *