Gj 18 જિલ્લાને ફરી ગ્રીન સિટી, ગ્રીનેરી સીટી, વૃક્ષોની નગરી બનાવવા કાકા ભત્રીજાનું આહવાન, વૃક્ષારોપણ અભિયાનમાં જન ભાગીદારી વધારવા આહવાન કરતા કાકા..

Spread the love

 

ગાંધીનગર સંસદીય ક્ષેત્રના પ્રગતિ હેઠળના વિવિધ વિકાસ પ્રકલ્પો અને અભિયાનોની શ્રેણીબદ્ધ સમીક્ષા બેઠકો હાથ ધરતા શ્રી અમિતભાઈ શાહ

 

“ગાંધીનગર લોકસભા – હરિયાળી લોકસભા” અભિયાન હેતુસર શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય આયોજનની સમીક્ષા બેઠક યોજાઈ

———–

*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી “એક પેડ માં કે નામ 2.0” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ અભિયાનમાં જનભાગીદારી વધારવા આહવાન કરતા શ્રી અમિતભાઈ શાહ*

——–

*શ્રી અમિતભાઈ શાહના પ્રયાસોથી 2019 થી 2025 દરમિયાન થયેલા વૃક્ષારોપણના કારણે 11.25 ટકા એટલે કે 2729 હેક્ટરના ગ્રીન કવરમાં થયેલ વધારો*

———-

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર સંસદીય ક્ષેત્રના પ્રગતિ હેઠળના વિવિધ વિકાસ પ્રકલ્પો અને અભિયાનોની શ્રેણીબદ્ધ સમીક્ષા બેઠકો યોજાઈ ગઈ હતી. જેમાં “ગાંધીનગર લોકસભા – હરિયાળી લોકસભા” અભિયાન હેતુસર શ્રી શાહે સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય આયોજનની સમીક્ષા બેઠક યોજી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર સંસદીય વિસ્તારના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના પ્રયાસોથી 2019 થી 2025 દરમિયાન થયેલા વૃક્ષારોપણના કારણે 11.25 ટકા એટલે કે 2729 હેક્ટરનું ગ્રીન કવર વધ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ માત્ર વૃક્ષારોપણ નહિ, પરંતુ આગામી પેઢી માટે સ્વચ્છ હવા, પાણી અને હરિયાળું પર્યાવરણ ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે આ વર્ષે 1 કરોડથી વધુ રોપાઓના વાવેતરનો લક્ષ્યાંક પણ નક્કી કરવામાં આવ્યો હતો.

આ સંદર્ભમાં ગાંધીનગર લોકસભા વિસ્તારને ‘હરિયાળી લોકસભા” બનાવવાના સંકલ્પ સાથે વર્ષ 2026-27 દરમિયાન વિશાળ સ્તરે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવા જરૂરી આયોજન આ બેઠકમાં હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનના ભાગરૂપે સરકાર, સંસ્થાઓ અને નાગરિકોના સંયુક્ત સહકારથી ગાંધીનગર લોકસભા ક્ષેત્રને દેશનું એક આદર્શ “હરિયાળી લોકસભા ક્ષેત્ર’ બનાવવાનો સંકલ્પ શ્રી શાહ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

શ્રી શાહે તેમના સંસદીય ક્ષેત્રના GIDC વિસ્તારોમાં રોપાઓના સઘન વાવતેરથી ગ્રીન કવર વધારીને શ્રમિકો તથા ઉદ્યોગકારોને પર્યાવરણપ્રિય વાતાવરણ પૂરું પાડવાની નેમ વ્યક્ત કરી હતી. એટલું જ નહિ, રસ્તાના મીડિયન સહિત નાનામાં નાની ખુલી જગ્યામાં પણ વૃક્ષારોપણ કરવાનું સૂચન કર્યું હતું.

શ્રી શાહે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વૃક્ષારોપણ અભિયાનમાં જનભાગીદારી વધારવા માટે “એક પેડ માં કે નામ 2.0” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પ્રત્યે જાગૃતિ વધારવા રહેણાંક વિસ્તારમાં 50થી વધુ વૃક્ષો વાવી શકાય તેવી સોસાયટીઓ આઈડેન્ટિફાય કરીને વૃક્ષારોપણ હાથ ધરવાનું સૂચન કર્યું હતું. આ ઉપરાંત શ્રી શાહે અમદાવાદના એકેએક ખૂણામાં ગ્રીન કવર વધે તે માટે વધુને વધુ વૃક્ષો લોકભાગીદારીથી વાવવાનું આહવાન પણ કર્યું હતું. આ ઉપરાંત AMC, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ, ગાંધીનગર મહાનગરપાલિકા, CSR સંસ્થાઓ, સ્વૈચ્છિક સંગઠનો અને નાગરિકોના સહયોગથી “મિશન મિલિયન ટ્રીઝ 2026-27” અંતર્ગત ઐતિહાસિક સ્તરે વૃક્ષારોપણનું આયોજન હાથ ધરવા શ્રી શાહે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 50 લાખ, અમદાવાદ જિલ્લામાં 37 લાખ, ગાંધીનગર જિલ્લામાં 20.90 લાખ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 5 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

આ અભિયાન હેઠળ ગત વર્ષે લગભગ 62.85 ટકા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું, તેની સામે આ વર્ષે 1 કરોડ 3 લાખ જેટલા રોપાઓના વાવેતરનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે તેની છણાવટ પ્રેઝન્ટેશન દ્વારા કરવામાં આવી હતી.

વૃક્ષારોપણ માટે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 2582 સ્થળોની ઓળખ કરવામાં આવી છે, જ્યાં ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં ૨૫ લાખ સહિત સમગ્રતયા આશરે 50 લાખથી વધુ વૃક્ષારોપણ શક્ય બનશે. તેમાં ઓક્સિજન પાર્ક, સરકારી પ્લોટ, કેનાલ સાઇડ, તળાવ કિનારા, રોડ સાઇડ, સેન્ટ્રલ વર્જ, ફૂટપાથ, શાળા-કોલેજ, આંગણવાડી, ગાર્ડન, મિયાવાકી ફોરેસ્ટ, ખાનગી સોસાયટીઓ અને સરકારી કચેરીઓનો સમાવેશ થાય છે.

આ અભિયાન અંતર્ગત મિયાવાકી મોડલ, ડેન્સ પ્લાન્ટેશન, લિનિયર પ્લાન્ટેશન, બાઉન્ડરી પ્લાન તથા સ્કેટર્ડ પ્લાન્ટેશન જેવી વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવશે. ખાસ કરીને શહેરના ખાલી પડેલ સરકારી પ્લોટ્સ અને રોડ સાઇડ વિસ્તારોને હરિયાળા બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે

રોપાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે AMC, વન વિભાગ અને CSR સંસ્થાઓ દ્વારા વિશાળ સ્તરે નર્સરી તૈયારી કરવામાં આવી રહી છે. AMCની નર્સરીઓ, વન વિભાગ તથા Heartfulness Group સહિતની CSR સંસ્થાઓના સહયોગથી કુલ 50 લાખથી વધુ રોપાઓ તૈયાર કરવામાં આવશે. સ્થાનિક અને પર્યાવરણને અનુકૂળ 80થી વધુ જાતિના રોપાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. કરીપત્તા, દાડમ, જામફળ, સીતાફળ, લીંબુ, આમળા, સરગવો, આસોપાલવ સહિતના વિવિધ ઉપયોગી અને સ્થાનિક વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવશે.

શહેરના મુખ્ય પ્રવેશદ્વારોને વિશિષ્ટ હોર્ટિકલ્ચરલ ઓળખ આપવા માટે થીમેટિક રોડ ડેવલપમેન્ટ પણ હાથ ધરવામાં આવ્યું છે. આ માટે વન વિભાગ દ્વારા સદ્દભાવના સંસ્થા સાથે સંકલન કરીને ગાંધીનગર જિલ્લામાં 18 અને અમદાવાદ જિલ્લામાં 7 એન્ટ્રી પૉઇન્ટ્સ પર અનોખી ઓળખ ધરાવતાં 6 હજાર રોપાનું વાવેતર કરવામાં આવશે.

વૃક્ષારોપણ બાદ આગામી ત્રણ વર્ષ સુધી જાળવણી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પાણી, ખાતર, ગેપ ફિલિંગ, જીવાત નિયંત્રણ, સફાઈ અને સુરક્ષા માટે અલગ-અલગ ટીમો કાર્યરત રહેશે. AMC દ્વારા 31 ટેન્કર તથા ખાનગી એજન્સીઓ દ્વારા વધારાના ટેન્કરો મારફતે પાણી પુરવઠાની વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્યુબવેલ, STP અને રિસાયકલ વોટરનો પણ ઉપયોગ કરવામાં આવશે.

વૃક્ષારોપણની પ્રગતિનું મોનીટરીંગ કરવા માટે લાઇવ ડેશબોર્ડ વિકસાવવામાં આવ્યું છે. નિયમિત રિપોર્ટિંગ અને સમીક્ષા થઈ શકે તે માટે તમામ ઝોન અને વિભાગો માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વિવિધ સંસ્થાઓ દ્વારા CSR અંતર્ગત પણ નોંધપાત્ર સહયોગ પ્રાપ્ત થયો છે. સ્વામિનારાયણ સંસ્થા, IFFCO, વાડીલાલ, ઇલેક્ટ્રોથર્મ, અરવિંદ, સ્ટર્લિંગ, માઇક્રોન, કોકા-કોલા સહિતની વિવિધ સંસ્થાઓ દ્વારા લાખો વૃક્ષારોપણનો લક્ષ્યાંક સ્વીકારવામાં આવ્યો છે.

આ સઘન વૃક્ષારોપણ ઝુંબેશમાં રેલ્વે તંત્ર સાથે MoU કરીને રેલ્વે વિસ્તારમાં પણ વૃક્ષારોપણનું આયોજન કરાયું છે. આ સમગ્ર આયોજના પગલે વ્યાપક હરિયાળી સાથે ગ્રીન કરવા વધશે અને પર્યાવરણની કાળજી પણ સુનિશ્ચિત થશે. આ હેતુસર સોશિયલ મીડિયા, સેલ્ફી પોઇન્ટ, ડિજિટલ પ્રચાર અને જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા નાગરિકોને જોડવામાં આવશે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *