ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં પ્રગતિ હેઠળના વિવિધ વિકાસ પ્રકલ્પોની સમીક્ષા બેઠક યોજાઈ
સરખેજ થી લઈને ગાંધીનગર સુધી મિનિમમ ટ્રાફિક સિગ્નલ સાથે નાગરિકો માટે ઝડપી, સુરક્ષિત, પ્રદૂષણ રહિત અને સુગમ રૂપ પરિવહનનું નિર્માણ થાય તે માટે સુગ્રથિત આયોજન કરવા હિમાયત કરતા શ્રી અમિતભાઈ શાહ
તળાવ ફક્ત બ્યુટિફિકેશન પૂરતા જ સીમિત ન રહે પરંતુ નાગરિકોના જીવનનું અભિન્ન અંગ તેમજ ચેતનાનું જીવંત કેન્દ્ર બને તે દિશામાં આયોજન હાથ ધરવા જરૂરી પગલાંઓ લેવા સબંધિત અધિકારીઓને સૂચના આપતા શ્રી અમિતભાઈ શાહ
કલોલ, સાણંદ અને બાવળા ક્ષેત્રમાં જળ ભરાવની સમસ્યાઓના નિકાલ અંગેના આયોજનની સમીક્ષા કરી સમય મર્યાદામાં ઉકેલ લાવવા દિશા નિર્દેશ આપતા શ્રી અમિતભાઈ શાહ
સંસદીય ક્ષેત્રની સાર્વજનિક હોસ્પિટલોમાં નાગરિકોને ઉત્તમ કક્ષાની સારવાર ઉપલબ્ધ થાય તથા રાજ્ય સરકાર દ્વારા પણ જરૂરી સહયોગ મળે તે માટે જરૂરી સૂચનો આપતા શ્રી અમિતભાઈ શાહ
અખંડાનંદ અને સસ્તુ સાહિત્યને વર્તમાન પ્રવાહો મુજબ લોક ભોગ્ય અને લોકગ્રાહી બનાવવા જરૂરી સૂચનો કરતા શ્રી અમિતભાઈ શાહ
ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં પ્રગતિ હેઠળના વિવિધ વિકાસ પ્રકલ્પોની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ હતી. જેમાં સરખેજ ગાંધીનગર હાઇવેનું આધુનિકીકરણ, લોકસભા ક્ષેત્રના તળાવનું બ્યુટીફિકેશન અને ઇન્ટરલિંકિંગ, GUDC, ગાંધીનગર લોકસભા અને માણસા નગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યો, લોકસભા ક્ષેત્રની સાર્વજનિક હોસ્પિટલોની કામગીરીમાં થયેલી પ્રગતિ અને અખંડાનંદ તેમજ સસ્તુ સાહિત્ય મુદ્રલાલય ટ્રસ્ટની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ હતી.
શ્રી શાહે સરખેજ ગાંધીનગર હાઇવેના આધુનિકીકરણ સંદર્ભે નાગરિકોને પરિવહનમાં સુગમતા સાથે સલામતી મળે તે માટે જરૂરી આયોજનની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેઓએ આ માટે પ્રશાસનિક અને પોલીસ વિભાગના અધિકારીઓને સંકલનથી યોગ્ય આયોજન હાથ ધરવા જરૂરી સૂચનાઓ પણ આપી હતી. સરખેજ ગાંધીનગર હાઇવે ના વિકાસ સંદર્ભે જરૂરી સ્થળોએ ફુટ ઓવરબ્રિજ, પાર્કિંગ વ્યવસ્થા, લાઈટિંગ, સહિતની કામગીરી માટે ઇકો ફ્રેન્ડલી થીમ અપનાવવા શ્રી શાહે ખાસ હિમાયત કરી હતી.
શ્રી શાહે સરખેજ થી લઈને ગાંધીનગર સુધી મિનિમમ ટ્રાફિક સિગ્નલ સાથે નાગરિકો માટે ઝડપી, સુરક્ષિત, પ્રદૂષણ રહિત અને સુગમ રૂપ પરિવહનનું નિર્માણ થાય તે માટે સુગ્રથિત આયોજન કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં સમગ્ર શહેરમાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન માટે લેવાયેલા પગલાંઓ અને ભવિષ્યના આયોજનની પણ શ્રી શાહે સમીક્ષા કરી હતી.
શ્રી શાહે ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં તળાવોના બ્યુટિફિકેશન અને ઇન્ટરલિંકિંગ માટે ના કાર્યોની પ્રગતિ અને આયોજનની પણ સમીક્ષા કરી હતી. તેઓએ આ તળાવ ફક્ત બ્યુટિફિકેશન પૂરતા જ સીમિત ન રહે પરંતુ નાગરિકોના જીવનનું અભિન્ન અંગ તેમજ ચેતનાનું જીવંત કેન્દ્ર બને તે દિશામાં આયોજન હાથ ધરવા જરૂરી પગલાંઓ લેવા સબંધિત અધિકારીઓને માર્ગદર્શન તેમજ સૂચનાઓ આપ્યા હતા. તેઓએ કહ્યું હતું કે આ માટે યુવાઓ અને સિનિયર સિટીઝનની કમિટી બનાવવામાં આવે, તળાવની બહાર ફૂડ કોર્ટ અને તેમજ લાઇટિંગની તેમજ તળાવમાં બોટિંગની સુવિધા પણ શરૂ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. તળાવની આજુબાજુમાં 70 ટકા બ્યુટિફિકેશન માટે તેમજ ૩૦ ટકા લાંબા આયુષ્ય ધરાવતા વૃક્ષોનું વાવેતર થાય તે માટે શ્રી શાહે ખાસ આગ્રહ વ્યક્ત કર્યો હતો
આ ઉપરાંત શ્રી શાહે ગાંધીનગર સંસદીય ક્ષેત્રના કલોલ, સાણંદ અને બાવળામાં જળ ભરાવની સમસ્યાઓના નિકાલ અંગેના આયોજનની પણ સમીક્ષા કરી હતી. તેઓએ આગામી ચોમાસામાં જળ ભરાવને લીધે નાગરિકોને સમસ્યા ન પડે તે માટે ત્વરિત આયોજન હાથ ધરવા અને સમય મર્યાદામાં સમસ્યાનો ઉકેલ લાવવા જરૂરી સૂચનાઓ પણ આપી હતી.
ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં સાર્વજનિક હોસ્પિટલોના કાર્યોની પ્રગતિની પણ શ્રી શાહે સમીક્ષા કરી, નાગરિકોને ઉત્તમ કક્ષાની સારવાર ઉપલબ્ધ થાય તથા રાજ્ય સરકાર દ્વારા પણ જરૂરી સહયોગ મળે તે માટે માર્ગદર્શન આપ્યું હતું.
શ્રી શાહે અખંડાનંદ અને સસ્તુ સાહિત્ય મુદ્રલાલય ટ્રસ્ટની સમીક્ષા બેઠક પણ હાથ ધરી હતી અને અખંડાનંદ અને સસ્તુ સાહિત્યને વર્તમાન પ્રવાહો મુજબ લોક ભોગ્ય અને લોકગ્રાહી બનાવવા જરૂરી સૂચનો કર્યા હતા. શ્રી શાહે બેઠકમાં ગીતા, રામાયણ તેમજ ‘અખંડ આનંદ’ માસિક પત્રિકાના પ્રકાશન, મુદ્રણ અને વિતરણ કાર્યોને લઈને વિગતવાર ચર્ચા કરી હતી.