
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આ ખાનગી ભરતી સામે એસટીના ત્રણે માન્ય, કર્મચારી યુનિયનોએ ઉગ્ર વિરોધ પ્રગટ કર્યો હતો અને તા.25-1થી લડતનું એલાન પણ કર્યું હતું.
આ એલાન બાદ નિગમનાં સતાવાળાઓએ ત્રણે યુનિયનો સાથે બેઠક પણ યોજી સમાધાનકારી વલણ અપનાવ્યું હતું અને યુનિયનોને રાજી કરી લીધા હતા અને એસટીમાં 4599-કંડકટર અને 6540 કંડકટરની નવી ભરતી ન થાય ત્યાં સુધી જ ખાનગી ડ્રાઇવર-કંડક્ટરોની ભરતી કરાશે તેવું નકકી થયું હતું.
અને આ સમાધાન સાથે જ એસટી સતાવાળાઓએ અગ્રતાના ધોરણે ખાનગી કંપનીના ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા શરુ કરી છે અને આજે જ ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવાની તજવિજ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સરકારે યુનિયનો સાથે જે બેઠક યોજી હતી તેમાં એવું સમાધાન થયું હતું કે, એસટી નિગમના ત્રણેય માન્ય યુનિયનોની સંકલન સમિતિ દ્વારા તા.25-5ના રોજ આપવામાં આવેલ આવેદનપત્ર અન્વયે સરકાર કક્ષાએ નિગમના ઉચ્ચ અધિકારીઓ ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક જનરલ મેનેજર (એડમ) નિગમના સચિવ મુખ્ય મહેકમ અધિકારી મુખ્ય કામદાર અધિકારી તેમજ ત્રણેય માન્ય યુનીયનના હોદેદારોની સાથે સંયુક્ત બેઠક તા.8-5ના રોજ ગાંધીનગર મુકામે યોજવામાં આવેલ હતી.
જેમાં સરકારની મંજુરી મળ્યેથી નિગમમાં ડ્રાઇવર કક્ષામાં 4599, કંડક્ટર કક્ષામાં 6540 ભરતીની કાર્યવાહી અંતર્ગત ટુંક સમયમાં જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. નિગમમાં નવીન ભરતીની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી જ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરુપે ફક્ત ડ્રાઇવર અને કંડકટ્રની સેવાઓ આઉટસોર્સીંગથી નકકી કરવામાં આવેલ. નિગમમાં કક્ષા વાઇઝ ડ્રાઇવર, કંડક્ટર ભરતી પ્રક્રિયા પૂર્ણ થયેથી કરાર આધારિત લીધેલ સેવાઓનો અંત કરવામાં આવશે.
આ પ્રકારની વ્યવસ્થાથી નિગમના કર્મચારીઓની સેવાકીય બાબતોમાં કોઇ વિક્ષેપ થવા પામશે નહીં. સંગઠનની અગાઉની માંગણીને ધ્યાનમાં રાખીને કોરોના સમયગાળા દરમિયાન નિગમના અવસાન પામેલ અધિકારી-કર્મચારીઓના કુટુંબીજનોને રૂા.25 લાખની સહાય આપવાનો નિર્ણય પણ આ બેઠકમાં થયેલ હતો.
સંગઠનની માંગણીને ધ્યાનમાં રાખીને સેટલમેન્ટ પાર્ટ-2ની માંગણી સંદર્ભે મે-2026 અતિત બેઠકનું આયોજન કરવાનું નકકી કરવામાં આવ્યું તથા તેનું આખરીકરણ આગામી બોર્ડ બેઠકમાં કરવામાં આવશે.
જ્યારે મધ્યસ્થ મંત્રાલય, નરોડા ખાતે બસ બોડી બિલ્ડીંગની રજુઆત ધ્યાને લેતા નિગમ દ્વારા સંગઠન સાથે અલગથી બેઠક કરી, કર્મચારીઓને અન્યાય ન થાય તે પ્રકારે હકારાત્મક નિર્ણય લેવામાં આવશે તેવું પણ નકકી કરાયું હતું. આથી ઉપરોક્ત બાબતે માન્ય ત્રણેય યુનિયનો દ્વારા હકારાત્મક પ્રતિભાવ દાખવી તા.25-5થી સ્વયંભૂ આંદોલનને મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવેલ હતો.