ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી જાણીતી ફૂડ ચેઈન ‘ટેરાનોવાસ પિત્ઝા’માં એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં પિત્ઝા ખાવા ગયેલા એક ગ્રાહકના પિત્ઝામાંથી મરેલો વંદો નીકળતાં ભારે ખળભળાટ મચી ગયો છે. ડિસ્કાઉન્ટ અને આકર્ષક ઓફર્સના નામે ગ્રાહકોને આકર્ષતી આવી મોટી રેસ્ટોરન્ટ્સ સ્વચ્છતા અને હાઇજિનના નિયમોને કઈ હદે નેવે મૂકી રહી છે, તેનો આ જીવતો જાગતો પુરાવો છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખાની ઘોર બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
હોંશે હોંશે પિત્ઝા ખાવાનું શરૂ કર્યું અને વચ્ચેથી વંદો નીકળ્યો!
રાજ્યના પાટનગરમાં અવારનવાર ખાદ્યપદાર્થોમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવવા છતાં તંત્રની આંખ ઉઘડતી નથી. પ્રાપ્ત વિગતો મુજબ, એક સ્થાનિક પરિવાર વીકએન્ડ (શનિ-રવિની રજાઓ) દરમિયાન કુડાસણ સ્થિત ટેરાનોવાસ પિત્ઝાના આઉટલેટ પર ડિનર માટે ગયો હતો. રેસ્ટોરન્ટ દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે ‘બાય વન ગેટ વન ફ્રી’ની લોભામણી સ્કીમ રાખવામાં આવી હતી.
પરિવારે પિત્ઝાનો ઓર્ડર આપ્યો અને પિત્ઝા ટેબલ પર આવ્યા બાદ પરિવારે હોંશે હોંશે ખાવાનું શરૂ કર્યું હતું. જોકે, હજી તો થોડાક જ બાઇટ (બુકડા) લીધા ત્યાં પિત્ઝાના ટુકડામાં ચીઝ અને સોસની બરાબર વચ્ચે એક મોટો વંદો જોવા મળ્યો હતો. પિત્ઝામાં વંદો જોઈને આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને મોંમાં રહેલો કોળિયો પણ થૂંકી નાખવો પડ્યો હતો.
ગ્રાહકે વીડિયો બનાવી રેસ્ટોરન્ટની પોલ ખોલી
પિત્ઝામાંથી જીવાત નીકળતાં જ ગ્રાહકે તાત્કાલિક આ અંગે રેસ્ટોરન્ટના મેનેજર અને હાજર સ્ટાફને બોલાવીને ઉધડો લીધો હતો અને ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. આ વાયરલ વીડિયોમાં પિત્ઝાના ટુકડામાં વંદો સ્પષ્ટપણે જોઈ શકાય છે, જે આઉટલેટના કિચનની ગંદકી અને બેદરકારીની ચાડી ખાય છે.
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ સામે શહેરીજનોમાં ભારે રોષ
આ ઘટનાએ ગાંધીનગર મહાનગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની પોલ ખોલી નાખી છે. સામાન્ય નાગરિકોના આરોગ્ય સાથે આ પ્રકારે ખુલ્લા ચેડાં થતાં હોવા છતાં તંત્ર માત્ર કાગળ પર જ ચેકિંગ કરતું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ઓફરોના નામે સસ્તું, નબળી ગુણવત્તાવાળું અને અસ્વચ્છ ભોજન પીરસીને લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકતા આવા તત્વો સામે કડક પગલાં ક્યારે લેવાશે તે મોટો પ્રશ્ન છે. હાલમાં તો આ વિડીયો વાયરલ થયા બાદ ગાંધીનગરના શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા આ આઉટલેટને તાત્કાલિક સીલ કરવામાં આવે તેવી પ્રબળ માગ ઉઠી છે.