
યુવતીએ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા
વડોદરાના આ વિચિત્ર કિસ્સામાં ભોગ બનનાર યુવતીએ પોતાના પરિવારની મરજી વિરુદ્ધ જઈને એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નજીવન દરમિયાન તેમને એક સંતાન પણ થયું. લગ્નના થોડા સમયમાં જ પતિનું અસલી રૂપ સામે આવ્યું હતું. પતિ અંધશ્રદ્ધામાં માનતો હોવાથી ઘરમાં અવારનવાર દોરા-ધાગા અને તાંત્રિક વિધિઓ કરતો હતો. આ માનસિક વિકૃતિની સૌથી મોટી કિંમત પત્ની અને તેના નાના બાળકને ચૂકવવી પડી રહી હતી.
પત્ની અને બાળકને પૂરીને જતો
પીડિતાએ આક્ષેપ કર્યો છે કે, તેનો પતિ જ્યારે પણ ઘરની બહાર જતો ત્યારે તેને અને બાળકને રૂમમાં પૂરીને બહારથી તાળું મારી દેતો હતો. એટલું જ નહીં, પતિએ પત્ની પર આરોપ લગાવ્યો હતો કે, પત્નીએ કરેલી મેલી વિદ્યાના કારણે જ તેના ભાઈઓનાં મોત થયાં છે જે બાદ તે મૃતકોની આત્મા પાછળ ભટકે છે.
પત્નીને પતિ સાથે નથી રહેવું
રોજરોજના આ ભયાનક વાતાવરણ અને માનસિક ટોર્ચરથી હારી ગયેલી પરિણીતાએ ગુપ્ત રીતે પોતાના પિયર પક્ષને આપવીતી જણાવી હતી. બહેનની વહારે આવેલા ભાઈઓએ તાત્કાલિક ‘181 અભયમ’ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી. અભયમની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિણીતાને સુરક્ષિત રીતે તે નરકાગારમાંથી બહાર કાઢી પિયર લઈ ગયા હતા. અભયમની ટીમે અંધશ્રદ્ધામાં ડૂબેલા પતિને સુધરી જવા અને આવી પ્રવૃત્તિઓ બંધ કરવા માટે કડક શબ્દોમાં સમજાવ્યો હતો. બીજી તરફ, કાઉન્સેલિંગ દરમિયાન પીડિત પત્નીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે, તે હવે પતિ સાથે રહેવા ક્યારેય તૈયાર નથી.