ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખાએ શહેરમાં ખાસ ડ્રાઈવ ચલાવી વિવિધ ખાણી-પીણીના સ્થળોએ સઘન તપાસ હાથ ધરી હતી.
ફૂડ સેફ્ટી ઓફિસરો અને ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ વાનની ટીમે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 50થી વધુ પેઢીઓની તપાસ કરી ખાદ્યચીજોની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી કરી હતી.
આ કાર્યવાહી દરમિયાન ભેળ, દાબેલી, પફ, પાણીપુરીનું પાણી અને માવો, શેરડીનો રસ, લસ્સી સહિત વિવિધ ખાદ્યચીજોના કુલ 19 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તમામ નમૂનાઓને વધુ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
તપાસ પથિકાશ્રમ, બસ સ્ટેશન આસપાસના વિસ્તારો, ઘ-4 સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન તેમજ સેક્ટર-13 મહાત્મા મંદિર નજીક હાથ ધરાઈ હતી. વેપારીઓને સ્વચ્છતા જાળવવા અને આરોગ્યપ્રદ સામગ્રીનો ઉપયોગ કરવા સૂચનાઓ અપાઈ હતી.
ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન દ્વારા મસાલા, પાણી, તેલ, બરફ અને ચટણી સહિત કુલ 57 ખાદ્યચીજોની સ્થળ પર પ્રાથમિક ચકાસણી પણ કરવામાં આવી હતી. ઉપરાંત સિવિલ હોસ્પિટલ, પથિકાશ્રમ બસ સ્ટેશન, કર્મયોગી ભવન અને કૃષિ ભવનની કેન્ટીન સહિત જાહેર ખાણી-પીણીના સ્થળોએ FSSAI લાયસન્સ, ખોરાકની સુરક્ષા અને સ્વચ્છતા અંગે જનજાગૃતિ માટે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.
મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે શહેરમાં નાગરિકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખોરાક મળે તે માટે આવી તપાસ અભિયાન આગળ પણ સતત ચાલુ રાખવામાં આવશે.