રાજકોટ જિલ્લામાં દુષ્કર્મ અને પોક્સો કેસ (Rape Case)ના આરોપીઓ બે વર્ષ સુધી ફરાર રહેવાના મામલે હવે પોલીસ વિભાગમાં મોટા એક્શન લેવામાં આવ્યા છે. પીડિતાના પિતાની હત્યા બાદ સમગ્ર ઘટનાએ ગંભીર વળાંક લીધો હતો, જેના પગલે રાજકોટ રેન્જના નિર્લિપ્ત રાય એક્શનમાં આવ્યા છે.
માહિતી અનુસાર, પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મ અને પોક્સો કેસ (Rape Caseના આરોપીઓ લાંબા સમયથી ફરાર હતા.
આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસ નિષ્ફળ રહેતાં ફરિયાદી પરિવાર સતત ભયમાં જીવી રહ્યો હતો. દરમિયાન, પીડિતાના પિતાની હત્યા થતાં પોલીસ કામગીરી અને તપાસ પર ગંભીર સવાલો ઊભા થયા છે.
આ સમગ્ર મામલે બેદરકારી દાખવવાના આરોપસર તત્કાલીન PI એચ.એન. રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ PI એસ.એન. પરમાર, PSI જે.જે. વાળા અને ASI ભગીરથસિંહ જાડેજા સહિતના અધિકારીઓ સામે પણ સસ્પેન્શનની કાર્યવાહી હાથ ધરાઈ છે.
વિશેષ નોંધનીય બાબત એ છે કે PI એસ.એન. પરમારને 15 દિવસમાં બીજી વખત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉ SMC દ્વારા દરોડાની કાર્યવાહી દરમિયાન પણ તેમની સામે વિભાગીય કાર્યવાહી થઈ હતી.
દુષ્કર્મ અને પોક્સો જેવા ગંભીર કેસમાં આરોપીઓ બે વર્ષ સુધી પોલીસ પકડથી દૂર રહેતા હોવાને લઈને હવે પોલીસ વિભાગની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. પીડિતાના પિતાની હત્યા બાદ આખરે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.