
આ સમગ્ર મામલે ટ્રકના માલિકના પુત્રે આરોપી યુવકને ટ્રક ચલાવવા આપ્યું હતું. તેની જોડે ભારે વાહન ચલાવવા માટેનું કાયદેસરનું કોઇ લાઇસન્સ નહોતું. તેમ છતાંય તેણે વાહન ચલાવી સુરેન્દ્રનગરમાં ગોઝારો અકસ્માત સર્જયો હતો.
આ મામલે સુરેન્દ્રનગરના લખતર પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે પૈકી સોહિલ રબારી નામના આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન મેળવવા માટે એક અરજી દાખલ કરી હતી. જોકે હાઇકોર્ટે આ જામીન અરજી ચાર્જશીટ પહેલા કરી હોવાથી આરોપીને પ્રાથમિક દૃષ્ટિએ જામીન આપવાનો ઇનકાર કરતા અરજી કોર્ટ સમક્ષ હાલ પ્રેસ કરાઇ નથી.
આ કેસની વિગત એવી છે કે સુરેન્દ્રનગર ખાતેથી રાત્રિના સમયે એક સંઘ પગપાળા જઈ રહ્યો હતો. જેમની પાસે ટોર્ચ અને રેડિયમ વાળી લાકડીઓ પણ હતી. તેઓ રસ્તાની બાજુ પર એક તરફથી પસાર થઇ રહ્યા હતા. તેમ છતાં આરોપી આદિત્ય દ્વારા બેદરકારીપૂર્વક અને બેફામ રીતે ટ્રક ચલાવીને સંઘના સભ્યોને અડફેટે લેવામાં આવ્યા હતા. આ અકસ્માત એટલો ગોઝારો હતો કે ઘટનાસ્થળે જ સાત લોકોના મૃત્યુ થયા હતા.
સંઘ એક શ્રીમદ્ ભાગવત કથામાં રસ્તા વચ્ચે આવતા મંદિરો ઉપર ધજા ચઢાવતો જતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ટ્રક ચલાવનાર ડ્રાઈવર 23 વર્ષનો હતો અને તેની પાસે ભારે વાહન ચલાવવાનું કોઈ લાઇસન્સ નહોતુ. તેની પાસે માત્ર લાઇટ મોટર વ્હિકલ લાઇસન્સ હતું. તેમાં છતાય ટ્રક માલિકના પુત્ર સોહિલ તેને ટ્રક ચલાવવા આપી હતી અને આરોપીએ ગંભીર અકસ્માત સર્જતા સાત નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડ્યો હતો.
બોગસ આર્મ લાઇસન્સના કેસમાં ક્લાર્કને આગોતરા જામીન નહીં
હથિયારો માટેના બોગસ લાઇસન્સ જારી કરવાના કાંડમાં ધરપકડથી બચવા ઉત્તરપ્રદેશના એક સંબંધિત વિભાગના ક્લાર્કની આગોતરા જામીન અરજી હાઇકોર્ટે ફગાવી કાઢી છે. આ મામલે આરોપી ક્લાર્ક પર સત્તાવાર આર્મ લાઇસન્સ ડેટામાં હેરાફેરી કરવા અને શસ્ત્રો અને જીવંત કારતૂસ ખરીદવા માટે ઉપયોગમાં લેવાતા બોગસ લાઇસન્સ જારી કરવામાં અમદાવાદથી પકડાયેલા 12 વ્યક્તિઓને મદદ કરવાનો આરોપ છે.
હાઇકોર્ટે આ અરજી રદ કરતાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા ખુલ્લા પાડવામાં આવેલા આર્મ્સ લાઇસન્સ રેકેટના કેસને સફેદ કોલર અને સામાજિક-આર્થિક ગુનો ગણાવ્યો હતો. હાઇકોર્ટના જસ્ટિસ એચ.ડી. સુથાર અરજદાર યુ.કે. જયપાલસિંહ દ્વારા દાખલ કરાયેલી આગોતરા જામીન અરજીની સુનાવણી કરી રહ્યા હતા. અરજદારે પોતાને ઉત્તર પ્રદેશના એક સરકારી કચેરીમાં શસ્ત્ર કારકુન (આર્મ્સ ક્લાર્ક) તરીકે ઓળખાવ્યા હતા. ફરિયાદ પક્ષનો કેસ એવો હતો કે જયપાલસિંહે એક વકીલ સાથે મળીને અને પવન કુમાર ગંગાપ્રસાદ લોદી (કમ્પ્યૂટર ઓપરેટર) અને રાજકુમાર બાબુલાલ (ક્લાર્ક)ની મદદથી ભારત સરકારના પોર્ટલ NDAL-ALIS નો દુરુપયોગ કરીને પોતાના નાણાકીય લાભ માટે યુનિક આઇડેન્ટિફિકેશન નંબર્સ (UIN) નો ઉપયોગ કર્યો હતો. જેમાંથી તેમણે 98.32 લાખ રૂપિયા બનાવ્યા હતા.
હાઈકોર્ટે નોંધ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે અગાઉ જારી કરાયેલા અસલી હથિયાર લાઇસન્સની વિગતો જેમાં નામ, માન્યતા અને પ્રાદેશિક વિગતોનો સમાવેશ થાય છે, સિસ્ટમમાંથી કાઢી નાખવામાં આવી હતી અને સત્તાવાર વેબસાઇટ પરના ડેટામાં ફેરફાર કરીને, મૂળ લાઇસન્સની જગ્યાએ બનાવટી હથિયાર લાઇસન્સ જારી કરવામાં આવ્યા હતા.