તાલાલા APMCમાં કેસર કેરીનો મબલખ ભરાવો, પણ ડીઝલની અછતે બગાડી રમત

Spread the love
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા માર્કેટિંગ યાર્ડમાં હાલ કેસર કેરીની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. ખેડૂતો મોટા પાયે પોતાની ઉચ્ચ ગુણવત્તાયુક્ત કેસર કેરી વેચવા માટે યાર્ડમાં આવી રહ્યા છે, જેના કારણે યાર્ડ કેરીના બોક્સથી ઉભરાઈ ગયું છે. પરંતુ, આ સોનેરી સીઝનની વચ્ચે એક મોટું વિઘ્ન સામે આવ્યું છે. સમગ્ર પંથકમાં સર્જાયેલી ડીઝલની અછતની સીધી અને વિપરીત અસર કેસર કેરીના ખરીદ-વેચાણ પર જોવા મળી રહી છે.

વેપારીઓએ ખરીદીથી અંતર જાળવ્યું

 

ડીઝલની અછત એટલી હદે વકરી છે કે કેરીની ખરીદી કરવા આવતા બહારના જીલ્લા અને રાજ્યોના વેપારીઓને માલની હેરફેર કરવા માટે સમયસર વાહનો (ટ્રક કે છોટા હાથી) મળી રહ્યા નથી. વાહનો ન મળવાના કારણે અથવા ઇંધણ ન મળવાના ડરથી ઘણા મોટા વેપારીઓએ તાલાલા યાર્ડમાં આવવાનું જ ટાળ્યું છે. માર્કેટમાં ખરીદદારો (વેપારીઓ) ની સંખ્યા ઓછી થવાના કારણે હરાજી પર માઠી અસર પડી છે. પરિણામે, કેસર કેરીના 10 કિલોના એક બોક્સના ભાવમાં સીધો ₹250 સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે, જે ખેડૂતો માટે મોટું આર્થિક નુકસાન સાબિત થઈ રહ્યું છે.

 

સમસ્યાના ઉકેલ માટે તંત્ર સાથે બેઠકો સક્રિય

 

કેરી એ નાશવંત ફળ હોવાથી જો તેને સમયસર માર્કેટમાં ન પહોંચાડવામાં આવે તો આખો પાક બગડી જવાની ભીતિ રહે છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાલાલા APMCના સત્તાધીશો તાત્કાલિક એક્શનમાં આવ્યા છે. યાર્ડ પ્રશાસન દ્વારા વેપારીઓ અને પરિવહન સાથે સંકળાયેલા વાહનો માટે સ્પેશિયલ કેસમાં ઇંધણ (ડીઝલ) નો જથ્થો ફાળવવામાં આવે તેવી ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે. આ ગૂંચ ઉકેલવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને યાર્ડના અધિકારીઓ વચ્ચે બેઠકોનો દોર શરૂ કરાયો છે, જેથી વહેલી તકે ડીઝલની વ્યવસ્થા કરી કેસર કેરીના વેપારને પાટા પર લાવી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *