અમદાવાદમાં ઘરના ઘરનું સપનું હવે માત્ર સપનું જ રહી જશે! પ્રોપર્ટીમાં 40 ટકા સુધી ભાવ વધારાના સંકેત! જાણો આવું કેમ અને શા માટે?

Spread the love
શહેરમાં પોતાનું ઘર ખરીદવાનું સપનું જોતા સામાન્ય નાગરિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. શહેરમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ એમ બંને પ્રકારની પ્રોપર્ટીના ભાવમાં તોતિંગ વધારો થવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. ક્રેડાઈ (CREDAI) અમદાવાદના પ્રમુખ રાજેશ વાસવાની સાથેની વાતચીત મુજબ, સતત વધતા બાંધકામ ખર્ચને કારણે બિલ્ડર્સ એસોસિએશન ભારે ચિંતામાં છે.

જો સરકાર તરફથી કોઈ મોટી રાહત આપવામાં નહીં આવે, તો આગામી 1લી જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. આ નિર્ણયથી નવા અને ચાલુ પ્રોજેક્ટ્સના ભાવ વધશે, જેની સીધી અસર ગ્રાહકોના બજેટ પર પડશે.

 

શા માટે વધી રહ્યા છે પ્રોપર્ટીના ભાવ?

ક્રેડાઈ (CREDAI) અમદાવાદના પ્રમુખ રાજેશ વાસવાનીના કહેવા અનુસાર, છેલ્લા ત્રણ મહિનાથી મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ)માં ચાલી રહેલા યુદ્ધની વૈશ્વિક અસરો હવે ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટર પર પણ વર્તાવા લાગી છે. યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલ, પેટ્રોલ-ડીઝલ જેવા ઈંધણના ભાવ વધ્યા છે અને ગેસની અછત ઊભી થઈ છે. આ આંતરરાષ્ટ્રીય કટોકટીના લીધે ફ્લાઈટ અને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં બાંધકામમાં વપરાતા મટિરિયલ જેવા કે ટાઈલ્સ, PVC પાઈપ્સ, કોપર અને એલ્યુમિનિયમના ભાવમાં રાતોરાત બે-ત્રણ વાર વધારો થયો છે. કેટલીક સામગ્રીના ભાવ તો 50 ટકા સુધી વધી ગયા છે. વેપારીઓ આગામી સમય માટે ભાવની કોઈ ગેરંટી આપી રહ્યા નથી, જેના કારણે બિલ્ડરો માટે પણ ચોક્કસ ખર્ચ નક્કી કરવો મુશ્કેલ બન્યો છે.

 

કયા પ્રોજેક્ટ પર કેટલી અસર?

 

જેશ વાસવાનીના જણાવ્યા અનુસાર, હાલમાં પ્રોપર્ટીના ભાવમાં સરેરાશ 20 ટકા જેટલા વધારાનું અનુમાન છે, પરંતુ પરિસ્થિતિને જોતાં આ વધારો 20થી શરૂ કરીને 30 કે 40 ટકા સુધી પણ પહોંચી શકે છે. ઉદાહરણ તરીકે, જે મકાન હાલમાં 50 લાખ રૂપિયામાં મળી રહ્યું છે, તે 20 ટકાના વધારા સાથે 60 લાખ રૂપિયાનું થઈ જશે અને તેની પર GST તથા અન્ય ટેક્સ અલગથી ચૂકવવા પડશે.

 

સરકાર પાસે અપેક્ષા

આ સ્થિતિમાં બિલ્ડરો સરકાર પાસે એવી અપેક્ષા રાખી રહ્યા છે કે તેમને 6 મહિનાની રાહત અથવા સમય આપવામાં આવે, કારણ કે વર્તમાન પરિસ્થિતિમાં ચાલુ પ્રોજેક્ટ્સ પૂરા કરવા અત્યંત મુશ્કેલ બની રહ્યા છે. બાંધકામ કયા સ્ટેજ પર પહોંચ્યું છે તેના આધારે દરેક પ્રોજેક્ટ પર અલગ-અલગ અસર થશે, પરંતુ આગામી સમયમાં આવનારા નવા પ્રોજેક્ટ્સ પર આ મોંઘવારીની સૌથી વધુ માઠી અસર જોવા મળશે.

 

ભાવ વધારા છતાં ડિમાન્ડ યથાવત

 

રાજેશ વાસવાની વધુમાં કહ્યું કે, જો સામાન્ય જનતા એવું વિચારતી હોય કે ભાવ વધવાને કારણે મકાનોનું વેચાણ ઘટી જશે, તો આ ધારણા ખોટી છે. અમદાવાદમાં ઓલિમ્પિક/કોમનવેલ્થ ગેમ્સની સંભવિત જાહેરાત બાદ અન્ય રાજ્યો અને શહેરોમાંથી લોકોનું માઈગ્રેશન (સ્થળાંતર) ખૂબ ઝડપથી વધી રહ્યું છે. બહારથી આવતા લોકો મોટા પાયે મકાનો ખરીદી રહ્યા છે. આ જ કારણે પ્રતિષ્ઠિત બિલ્ડરોના સારા પ્રોજેક્ટ્સમાં આજે પણ પ્રોપર્ટીઝ ઝડપથી વેચાઈ રહી છે. આગામી સમયમાં અમદાવાદનો વિકાસ ચારેય દિશાઓમાં વિસ્તરશે અને રિયલ એસ્ટેટની માગમાં હજુ પણ મોટો ઉછાળો આવશે. હાલ પૂરતો તો ભાવ વધારો અનિવાર્ય છે, પરંતુ જો ભવિષ્યમાં કાચા માલના ભાવ ઘટશે તો બિલ્ડર્સ એસોસિએશન તે મુજબ આગળનો નિર્ણય લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *