રાજકોટમાં બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળકો લાપત્તા થતા ખળભળાટ, CP સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા

Spread the love
રાજકોટ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના કોઠારિયા સ્ટેશન પ્લોટમાં આવેલા સરકારી બાળ સંરક્ષણ ગૃહ (ઓબ્ઝર્વેશન હોમ) માંથી એકસાથે ૧૧ જેટલા સગીર બાળકો રહસ્યમય સંજોગોમાં ગાયબ થઈ જતાં સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ વ્યાપી ગયો છે.

મળતી પ્રાથમિક વિગતો અનુસાર, જે ૧૧ બાળકો ગાયબ થયા છે તેઓ કોઈને કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા અને કાયદાના સંઘર્ષમાં આવતા તેઓને અહીં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. બાળ સંરક્ષણ ગૃહ જેવા સંવેદનશીલ અને ચુસ્ત સુરક્ષા ધરાવતા સ્થળેથી એકસાથે આટલી મોટી સંખ્યામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો કેવી રીતે ફરાર થઈ ગયા, તે બાબત હાલ મોટી તપાસનો વિષય બની છે. સંસ્થાના સત્તાધીશોને આ બાબતની જાણ થતાં જ તુરંત પોલીસને આ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

 

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો, સ્થાનિક પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે બાળ સંરક્ષણ ગૃહના કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી છે અને આ બાળકો કઈ રીતે અને કયા સમયે ભાગ્યા તેની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, સંસ્થાની આસપાસના વિસ્તારો અને મુખ્ય માર્ગો પર લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ પણ મેળવવામાં આવ્યા છે, જેના આધારે બાળકો કઈ દિશામાં ભાગ્યા છે તેની કડી મેળવવાના ચક્રો ગતિમાન કરાયા છે.

એકસાથે ૧૧ બાળકોના ફરાર થવાની આ ઘટનાએ બાળ સંરક્ષણ ગૃહની સુરક્ષા વ્યવસ્થા અને ત્યાં તૈનાત સ્ટાફની કામગીરી સામે મોટા પ્રશ્નાર્થો સર્જ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે અલગ-અલગ ટીમો બનાવીને ફરાર થયેલા તમામ સગીરોને ઝડપી પાડવા માટે સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસે રેલવે સ્ટેશન, બસ પોર્ટ અને શહેરના બહાર જવાના નાકાઓ પર પણ વોચ ગોઠવી દીધી છે.

 

સગીરનું નિવેદન:”ભાગવા માટેનું આયોજન અગાઉથી જ હતું

 

મીડિયા સાથેની વાતચીતમાં પકડાયેલા સગીરે જણાવ્યું કે, અમે કુલ ૬ જણા ભાગ્યા હતા. જ્યારે પત્રકારોએ પૂછ્યું કે શા માટે ભાગ્યા હતા? ત્યારે તેણે જણાવ્યું કે, બીજા અન્ય બાળકો કહેતા હતા કે અહીંથી ભાગી જવું છે, એટલે અમે ભાગી ગયા હતા. આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે સંરક્ષણ ગૃહમાં બાળકો વચ્ચે અગાઉથી જ ભાગવાનું આયોજન થઈ રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *