ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં મોબીલિટી ક્ષેત્રે સહકારી ક્ષેત્રની ઐતિહાસિક પહેલ અને ભારતની સૌથી પહેલી સારથિઓની માલિકી ધરાવતી “ભારત ટેક્સી”નો મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી ગુજરાતમાં શુભારંભ
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા “સહકાર સે સમૃદ્ધિ” ના મંત્રને ચરિતાર્થ કરવા સહકારી ક્ષેત્ર સાતત્યપૂર્ણ રીતે કાર્યરત હોવાનું અને “ભારત ટેક્સી” તે દિશામાં એક આગવું કદમ હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ
પરિવહન ક્ષેત્રે સારથિઓ અને ગ્રાહકો માટે શોષણ રહિત વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનાં શુભાશય સાથે “ભારત ટેક્સી” સેવાનો શુભારંભ કરાયો હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ
ખાનગી કંપનીઓ સારથિને ડ્રાઈવર માને છે જ્યારે અમે ડ્રાઈવરને સારથિ માનીએ છીએ* – *શ્રી અમિતભાઈ શાહ
ભારત ટેક્સી ના થાકશે ના ભાગશે, મેદાનમાં રહી સેવા અને સહકારના માધ્યમથી સૌની સાથે સ્પર્ધા કરશે* – *શ્રી અમિતભાઈ શાહ
“ભારત ટેક્સી” સારથિઓ પોતાનો કો – ઓપરેટિવ ઉપક્રમ, જેમાં તેઓ માલિક પણ અને શેર હોલ્ડર પણ* – *શ્રી અમિતભાઈ શાહ
આગામી બે વર્ષમાં દેશના ૫૦૦ થી વધુ શહેરો અને નગરોમાં “ભારત ટેક્સી” સેવા પહોંચશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા શ્રી અમિતભાઈ શાહ
સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ મંત્રથી સહકાર સે સમૃદ્ધિની દિશા પ્રધાનમંત્રીશ્રી મોદીજીએ અને શ્રી અમિતભાઈ શાહે આપી હોવાનું જણાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
આદરણીય પ્રધાનમંત્રીશ્રી મોદીજી ‘નાગરિક દેવો ભવઃ’ ના મંત્ર સાથે પ્રધાન સેવક તરીકે ૧૪૦ કરોડ દેશવાસીઓની સેવા કરી રહ્યા હોવાનું જણાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજરોજ ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે તેમજ રાજ્યના માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ભારતની સૌપ્રથમ ડ્રાઇવરની માલિકી ધરાવતી સહકારી ટૅક્સી સેવા “ભારત ટૅક્સી”નો ગુજરાતમા શુભારંભ કાર્યક્રમ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાયો ગયો હતો.
આ પ્રસંગે રાજ્યના કૃષિ અને સહકાર મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી રમેશભાઈ કટારા, અમૂલ ફેડરેશનના ચેરમેનશ્રી અશોકભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે ભારત ટેક્સી સેવા સાથે મેટ્રો રેલ કોર્પોરેશન, એ.એમ.સી., ગુજ.સ્ટેટ કો.ઓ. બેન્ક, અમદાવાદ પશ્ચિમ રેલ વિભાગ, રાજકોટ, અમદાવાદ અને સુરત એરપોર્ટ ઓથોરિટી, ટ્રાફિક પોલીસ સહિતના વિભાગો દ્વારા સમજૂતી કરાર પણ કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં સહકારી ક્ષેત્રમાં અનેક ક્રાંતિકારી સુધારાઓને લાગુ કરી સહકારી ક્ષેત્ર માટે મલ્ટીલેવલ કામગીરીઓના દ્વાર ખોલવામાં આવ્યા છે. આ પૈકી સૌથી મોટી પહેલ સહકારી ક્ષેત્રે ટેક્સી સેવાની છે. 5 ફેબ્રુઆરી 2026 ના રોજ દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ દ્વારા આ ઐતિહાસિક પહેલ “ભારત ટેક્સી” ઉપક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફક્ત પાંચ મહિનાના ટૂંકા ગાળામાં જ તેની સાથે 7 લાખથી વધુ સારથિઓ અને 37 લાખથી વધુ ગ્રાહકો જોડાઈ ચૂક્યા છે. જેના અનુસંધાનમાં આજે ગુજરાતમાં, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા, આણંદ, વલસાડ, જુનાગઢ, જામનગર અને ભાવનગર ખાતે આ ભારત ટેક્સી સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
“ભારત ટેક્સી” એ પ્રકારની પહેલ છે કે જેના દ્વારા દેશના સહકારી ક્ષેત્રને આગવી ઉર્જા અને દિશા મળશે. આ ઉપક્રમની ખાસિયત એ છે કે આ પ્રકલ્પમાં ચાલક પોતે જ માલિક હોવાથી નફો સીધો તેના ખાતામાં જશે અને સો ટકા કમાણી ચાલકને જ થશે. આ ઉપરાંત ચાલકને વીમો, નેશનલ પેન્શન સિસ્ટમ, ઓછા વ્યાજ દરે વાહન લોન તેમજ અન્ય આર્થિક ફાયદાઓ પણ મળશે જ્યારે ગ્રાહકોને સુરક્ષા, વિશ્વાસ, પારદર્શકતા, સર્જ પ્રાઈઝથી મુક્તિ અને મેડ ઇન ઇન્ડિયા ઉપક્રમની સુવિધાઓ મળશે.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીશ્રી અમિતભાઇ શાહે સંબોધન કરતા જણાવ્યું કે, આજે ભારતની પરિવહન ક્ષેત્રમાં એક વિશેષ દિવસ છે. જેમ- જેમ ભારતનો વિકાસ થતો ગયો તેમ ટૅક્સીની જરૂરિયાત વધતી રહી. આજે ગુજરાતમાં રિક્ષા પરિવહન ક્ષેત્રના પ્રાણ છે. વર્તમાનમાં ટૅક્સીના ઉપયોગ અને ક્ષેત્ર બંને વિસ્તાર પામ્યા છે. વિસ્તાર અને ટેક્નોલોજીના વિકાસ સાથે ભાડે વાહન સેવા ક્ષેત્રમાં અનેક ખાનગી કંપનીઓએ વિવિધ મોબાઇલ એપ્લિકેશનો દ્વારા પોતાની સેવાઓ શરૂ કરી, જ્યાં વાહનચાલકોને માત્ર ‘ડ્રાઇવર’ તરીકે ઓળખ આપવામાં આવે છે. જ્યારે આ પહેલમાં વાહનચાલકોને ‘સારથી’ તરીકે સન્માનજનક ઓળખ આપવામાં આવી છે તેમ શ્રી શાહે ઉમેર્યું હતું. તેઓએ કહ્યું કે આ બાબત માત્ર શબ્દોનો જ નહીં પરંતુ સેવાભાવ, ગૌરવ અને મુસાફરો પ્રત્યેની જવાબદારીના અભિગમનો પણ મહત્વપૂર્ણ તફાવત દર્શાવે છે. કંપનીઓએ પોતાના નફા માટે અનેક સારથિઓનું અને સાથે સાથે ટેક્સી ઉપયોગ કરનાર નાગરિકોનું પણ શોષણ કર્યું. આ માટે થઈને સરકાર આ ક્ષેત્રે તમામ શોષણનો કારોબાર બંધ કરવામાં કઈ રીતે મદદ કરી શકે તે દિશામાં મનોમંથન બાદ કો- ઓપરેટિવના મોડેલ પર એક ટૅક્સી સેવા લાવવા નક્કી કરવામાં આવ્યું. કો.ઓપરેટિવ ક્ષેત્રએ અનેક ક્ષેત્રમાં કરી અભૂતપૂર્વ કામ કરીને બતાવ્યું છે, આજે અમૂલમાં દૂધ ભરાવતી પશુપાલક બહેનોના માધ્યમથી અમૂલ ૧ લાખ ૨૫ હજાર કરોડનો કારોબાર કરતી વિશ્વની સૌથી વિશ્વસનીય ખાદ્ય બ્રાન્ડ બનીને ઉભરી આવી છે. આ પ્રણાલીમાં નફો કરેલી રકમ સીધી પશુપાલક બહેનોના ખાતામાં ભ્રષ્ટાચાર વગર દર સપ્તાહે જમા થાય છે. અનેક શોષણ આપોઆપ બંધ થયા છે, ગ્રામીણ ક્ષેત્રમાં પશુપાલન કરનાર બહેની પોતાની કમાણી આજે તેમની પાસે કોઈપણ વચેટિયા વિના સીધી પહોંચે છે.
શ્રી શાહે ભારત ટૅક્સીના મધ્ય વિચાર અંગે છણાવટ કરતા જણાવ્યું કે ભારત ટેક્સીનો વિચાર એટલા માટે કરવામાં આવ્યો કારણ કે, સારથિઓ અને ગ્રાહકોનું કોઈપણ પ્રકારે શોષણ ન થવું જોઈએ અને સારથીનું સન્માન થાય. આજે ગર્વથી કહી શકાય કે ભારત ટેક્સી સાથે જોડાયેલા ૭ લાખ સારથિઓ ભારત ટેક્સીના માલિક અને શેરહોલ્ડર છે. આ પહેલથી સન્માન અને સુરક્ષા સાથે સમૃદ્ધિ પણ આગામી સમયમાં મળશે તેવો વિશ્વાસ શ્રી શાહે વ્યક્ત કર્યો હતો.. ભારત ટૅક્સી ઘણી જગ્યા એ ટ્રાયલમાં લોન્ચ થઈ છે અને આજે ગુજરાતમાં પણ ફોર્મલ લોન્ચિંગ થયું છે. ગુજરાતમાં ૨ વ્હીલર, ઓટોરિક્ષા તેમજ ૪ વ્હીલર એમ ત્રણેય ક્ષેત્રમાં ભારત ટેક્સીનો આજે અધિકૃત શુભારંભ થયો છે.
શ્રી શાહે કહ્યું હતું કે જ્યારે કો.ઓપરેટિવ બેઝ પર ટેક્સી સેવા બનાવવાનો વિચાર આવ્યો ત્યારે સૌથી મોટી મૂંઝવણ પૈસા ક્યાંથી આવશે તે હતી જેમાં, NCDC, IFFCO, કૃભકો, NDDB, નાબાર્ડ, NCEL, અમૂલ જેવી અનેક સંસ્થાઓએ સાથે મળીને સારથિઓ એક અલગ કોઓપરેટિવ સંસ્થા બનાવવાનું કાર્ય કર્યું છે. ભારત ટેક્સીની સ્પર્ધક કંપનીઓ પોતાની કિંમત ઘટાડી રહી છે પરંતુ ભારત ટેક્સી ના થાકશે ના ભાગશે, મેદાનમાં રહી સેવા અને સહકારના માધ્યમથી સૌની સાથે સ્પર્ધા કરશે. ભારત ટેક્સીને સફળ કરવાની સૌથી મોટી જવાબદારી સૌ સારથિઓની છે. તત્કાલ લાભને જોવામાં આવશે તો આવનાર અનેક વર્ષો સુધી શોષણનો ભોગ બનવું પડશે. ભારત ટૅક્સી કોઈપણ સારથિઓનું શોષણ નહીં કરે તેવો વિશ્વાસ શ્રી શાહે અપાવ્યો હતો. કિંમત ઘટાડી અને ભારત ટેક્સીને મેદાન બહાર કરવાના પ્રયાસો દુનિયાના કોઈપણ દેશમાં ચાલી શકે ભારતમાં નહીં. કારણ કે, ભારતમાં કો-ઓપરેટિવની ભાવના અને બીજાનું ભલું કરવાની ભાવના પ્રબળ છે. આ કો-ઓપરેટિવ તમારી પોતાની છે, શોષણ અટકાવવા માટે છે, સન્માન આપવા માટે છે, સમૃદ્ધ કરવા માટે છે, લોન લેવા માટે પણ સહાયતા કરશે, ઇન્સ્યોરન્સની પણ ચિંતા કરશે તેમ સૌ સારથિઓને શ્રી શાહે ભરોસો અપાવ્યો હતો. આવનાર ૨ વર્ષમાં ૫૦૦ થી વધારે શહેરોમાં ભારત ટેક્સી પહોંશે તેમજ ૨ વ્હીલર અને ઓટોરિક્ષા પણ નાના શહેરો સુધી પહોંચશે અને આવનાર સમયમાં આ કોપરેટીવ ક્ષેત્ર નવી ઊંચાઈઓ સર કરશે તેવો વિશ્વાસ શ્રી શાહે વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સૌથી વધુ સમય વડાપ્રધાન તરીકે સળંગ સેવા આપવાનો સુશાસનનો વિક્રમ સર્જ્યો છે. આદરણીય મોદીજીએ નાગરિક દેવો ભવઃ ના મંત્ર સાથે પ્રધાન સેવક તરીકે ૧૪૦ કરોડ દેશવાસીઓની સેવા કરી છે. સુશાસનના આ ૧૨ વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના બન્યા છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ મંત્રથી સહકાર સે સમૃદ્ધિની દિશા પ્રધાનમંત્રીશ્રી મોદીજીએ અને શ્રી અમિતભાઈ શાહે આપી છે. સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે પ્રથમ સહકારિતા મંત્રી તરીકે સહકાર ક્ષેત્રના અમુક સેક્ટરો સુધી સીમિત ન રાખીને સહકારી મંડળીઓ પણ એક નાની કોર્પોરેટ કંપનીમાં બદલાવાના સફળ પ્રયાસો હાથ ધર્યા છે. આવી જ એક અભિનવ પહેલ ભારત ટૅક્સી છે. આજે ગુજરાતમાં ભારત ટૅક્સી સેવાનો ગુજરાતમાં શુભારંભ થવા જઈ રહ્યો છે. આ સેવા નવી ટૅક્સી સેવા લોન્ચિંગ નહીં બલ્કે નવા વિચાર સાથે આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ છે. જે સહકાર ક્ષેત્ર કૃષિ, ડેરી, પશુપાલન, મંડળીઓ તેમજ બેંકિંગ સુધી મર્યાદિત હતું તે હવે શ્રમના સન્માન સાથે સારથિઓની ભાગીદારીનું મોડેલ બનશે તેમશ્રી ભુપેન્દ્રભાઈ એ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં માન.મંત્રીશ્રીઓ શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી રમેશભાઈ કટારા, અમૂલ ફેડરેશન અધ્યક્ષશ્રી અશોકભાઈ ચૌધરી, ભારત સરકાર સહકારિતા મંત્રાલય સચિવશ્રી ડૉ.આશિષકુમાર ભૂટાની, રાજ્યના મુખ્ય સચિવશ્રી મનોજકુમાર દાસ, સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી અરૂણકુમાર સોલંકી, ભારત ટૅક્સીના અધ્યક્ષશ્રી ડૉ.જયંતભાઈ મહેતા, ભારત ટૅક્સી નિર્દેશક મંડળના સારથી પ્રતિનિધિશ્રી કિશનભાઈ પટણી, શ્રી ધારાવલ્લભજી સહિત, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, હોદ્દેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં સારથિઓ ઉપસ્થિત રહ્યા હતા.


