આવનારા વર્ષોમાં ઓક્સિજન ખૂટી પડશે, નવી પેઢી ફાસ્ટ લાઇફ જેથી ઝાડ પણ ફાસ્ટ થોડી ઉગશે, આવનારી પેઢીની ચિંતા કરતા કાકા, દાદા, ભત્રીજા

Spread the love

*ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં “ગાંધીનગર લોકસભા – હરિયાળી લોકસભા” ઉપક્રમે સામૂહિક વૃક્ષારોપણ અભિયાન અંગેની સંગઠનાત્મક બેઠક સર્કિટ હાઉસ શાહીબાગ, અમદાવાદ ખાતે યોજાઈ*

*વૃક્ષારોપણ કોઈ એક રાજકીય પક્ષનું જ અભિયાન નહીં પરંતુ પ્રત્યેક માનવીનું સામાજિક ઉત્તરદાયિત્વ* – *શ્રી અમિતભાઈ શાહ*

 

*ગાંધીનગર લોકસભા ક્ષેત્રના પ્રત્યેક પરિવારના પ્રત્યેક વ્યક્તિને વૃક્ષારોપણ અને તેના જતન માટે અપીલ કરતા શ્રી અમિતભાઈ શાહ*

 

*પૃથ્વી, પ્રકૃતિ અને જીવસૃષ્ટિનું સંરક્ષણ અને સંવર્ધન આપણી સહિયારી જવાબદારી અને પ્રાથમિક કર્તવ્ય – *શ્રી અમિતભાઈ શાહ*

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં “ગાંધીનગર લોકસભા – હરિયાળી લોકસભા” ઉપક્રમે સામૂહિક વૃક્ષારોપણ અભિયાન અંગેની સંગઠનાત્મક બેઠક સર્કિટ હાઉસ, શાહીબાગ અમદાવાદ ખાતે યોજાઈ ગઈ હતી. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રીશ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, સંસદીય ક્ષેત્રના ધારાસભ્યો, સંસદીય ક્ષેત્રના જિલ્લા, મહાનગર અને નગરના ભાજપા અધ્યક્ષશ્રીઓ, ભાજપા સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને દેશના કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ છેલ્લા સાત વર્ષથી “ગાંધીનગર લોકસભા – હરિયાળી લોકસભા” અભિયાન સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણનું સંવર્ધન, હરિયાળીનું જતન અને આગામી પેઢી માટે સ્વચ્છ તથા સ્વસ્થ પ્રકૃતિનું નિર્માણ કરવાનો છે. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના હેતુથી શરૂ કરાયેલા આ અભિયાનને લોકભાગીદારીના કારણે વ્યાપક સફળતા મળી રહી છે. આ દિશામાં પાછલા ત્રણ વર્ષોમાં ૧.૫ કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

શ્રી શાહે આ બેઠકમાં તેમના માર્ગદર્શક ઉદબોધનમાં જણાવ્યું હતું કે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વૃક્ષોની ઘનતામાં ૧૧.૨% નો જે વધારો નોંધાયો છે એ પૃથ્વીના તાપમાનને ઓછું કરવા માટે હજી પૂરતો નથી. શ્રી શાહે ગાંધીનગર લોકસભામાં ઓછામાં ઓછા ૩૩% લાંબા આયુષ્યવાળા વૃક્ષો વાવવા હિમાયત કરતા કહ્યું હતું કે પર્યાવરણ માટે લાંબા ગાળે આ પ્રકારના વૃક્ષોથી મહત્ત્વપૂર્ણ ફાયદા મળી શકશે. આવા વૃક્ષોને મોટા થવામાં સમય લાગે છે, પરંતુ એકવાર વિકાસ પામ્યા પછી, તેઓ લાંબા સમય સુધી છાંયડો અને ઓક્સિજન પ્રદાન કરતાં રહે છે. જો લાંબા આયુષ્યવાળા વૃક્ષોને વિસ્તૃત ભાગમાં વાવવામાં આવે, તો વારંવાર નવા વૃક્ષો વાવવાની જરૂરિયાત ઓછી થશે અને સાથે-સાથે જો સતત વૃક્ષારોપણને પ્રોત્સાહન આપીએ અને વધુ વૃક્ષો ઉછેરીએ, તો લાંબાગાળે વૃક્ષોની સંખ્યા નોંધપાત્ર રીતે વધશે અને પર્યાવરણ વધુ સમતોલ અને સ્વસ્થ બનશે.

શ્રી શાહે ઉમેર્યું હતું કે આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે, હવામાન અનિયમિતતાની સમસ્યાઓથી બચવા પર્યાવરણનું સંરક્ષણ આપણું પ્રાથમિક કર્તવ્ય બની જાય છે. પ્રકૃતિનું દોહન થઈ શકે પરંતુ શોષણ ક્યારેય ન થાય એ બાબતને લક્ષ્યમાં લઈને આપણે પ્રકૃતિને બચાવવા માટે તત્કાળ કડક પગલાં લઈએ એ સમયની તાતી જરૂરિયાત પણ છે. આપણું આ નાનું પણ મહત્વનું પગલું આવનારી પેઢીને એક સ્વચ્છ અને આરોગ્યદાયક પર્યાવરણની ભેટ માટેનું એકમાત્ર માધ્યમ બનશે.જળ વાયુનું સમતોલન જાળવી રાખવા તેમજ ગ્લોબલ વોર્મિંગ સામે લડવા અને ધરતીને સુરક્ષિત રાખવા માટે વૃક્ષારોપણ એક સશક્ત અને લાંબાગાળાનો ઉપાય છે.

શ્રી શાહે આ તબક્કે હરિયાળી લોકસભા અભિયાનમાં સક્રિય સહભાગી બનવા પોતાના રહેણાક વિસ્તારની આસપાસ વૃક્ષો વાવી શકાય તેવી ખાલી જગ્યા શોધી ત્યાં વૃક્ષારોપણ કરવા તમામ નાગરિકો, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગગૃહો, સ્વૈચ્છિક સંગઠનો તેમજ ભાજપા પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને અપીલ પણ કરી હતી. તેઓએ કહ્યું હતું કે દરેક નાગરિક ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે અને તેના ઉછેરની જવાબદારી સ્વીકારે તો ગાંધીનગર લોકસભા ક્ષેત્રને હરિયાળું અને પર્યાવરણમૈત્રી ક્ષેત્ર બનાવવાનું સ્વપ્ન વધુ ઝડપથી સાકાર થઈ શકશે.વૃક્ષારોપણ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ પર્યાવરણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા હોવાનું પણ શ્રી શાહે અંતમાં જણાવ્યું હતું. આ ઝુંબેશ સંદર્ભમાં સહાયતા માટે સંલગ્ન વિસ્તારના જનપ્રતિનિધિઓ કે તેમના સંસદીય ક્ષેત્રના કાર્યાલયનો સંપર્ક કરવા પણ શ્રી શાહે જણાવ્યું હતું.

અંતમાં શ્રી શાહે વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણના આ મહાયજ્ઞમાં સહિયારા પ્રયાસોને વેગ આપવા અને હરિયાળા, સ્વચ્છ તથા સમૃદ્ધ ભવિષ્યના નિર્માણમાં પ્રત્યેક નાગરિકની સહભાગિતા સુનિશ્ચિત કરવા આહવાન પણ કર્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *