ગાંધીનગરમાં કોસ્ટ ગાર્ડ જવાનનો આત્મઘાતી પ્રયાસ, રાઈફલથી જાતને મારી ગોળી

Spread the love

ગાંધીનગરના સેક્ટર-1માં આવેલા ગાયત્રી મંદિર પાસે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ઓફિસર્સ મેસમાં રવિવારે(28 જૂન) સવારે 43 વર્ષીય કોસ્ટ ગાર્ડે અગમ્ય કારણોસર રાઈફલ વડે પોતાને ગોળી મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ગોળીબારનો અવાજ સાંભળીને આસપાસના સ્ટાફ અને સુરક્ષાકર્મીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં જવાનને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે તેમને અમદાવાદની કે.ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

આ અંગે પોલીસના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે, આ જવાનને ઓફિસ તરફથી કોઈ ત્રાસ નહીં હોવાનું પણ જાણવા મળ્યું છે. આ જવાનની પત્ની પણ બનાવના પગલે બેભાન હાલતમાં છે. પ્રાથમિક રીતે ઘર કંકાસ હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જાણવા જોગ નોંધ કરીને વધુ તપાસ ચાલી રહી છે.

કોસ્ટ ગાર્ડની ઓફિસમાં સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત હતા

 

આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આત્મહત્યાનો પ્રયાસ કરનાર જવાનની ઓળખ 43 વર્ષીય હસમુખભાઈ ચતુરભાઈ પ્રજાપતિ તરીકે થઈ છે, જેઓ ગાંધીનગર નજીક આવેલા લેકાવાડા ગામના વતની છે. હસમુખભાઈ સેક્ટર-1 ગાયત્રી મંદિર પાસે આવેલી કોસ્ટ ગાર્ડની ઓફિસ ખાતે સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત હતા. રવિવારે સવારે તેઓ પોતાની ફરજ પર હાજર હતા, તે દરમિયાન આ ઘટના ઘટી છે.

પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને FSLની ટીમ ઘટનાસ્થળે

 

કોસ્ટ ગાર્ડ જેવી સંવેદનશીલ સરકારી ઓફિસના મેસમાં જવાન દ્વારા આ પ્રકારે ફાયરિંગ કરી આત્મહત્યાના પ્રયાસની ઘટના વાયુવેગે પ્રસરતા પોલીસ તંત્રમાં પણ હડકંપ મચી ગયો હતો. ફાયરિંગની જાણ થતા જ સેક્ટરની સ્થાનિક પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. એફએસએલ (FSL) ની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવીને જરૂરી પુરાવા અને લોહીના નમૂના એકત્ર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જવાન હસમુખભાઈના પરિવારજનોને આ બાબતની જાણ પોલીસે કરી દીધી છે. પોલીસ હાલમાં જવાનના સાથી કર્મચારીઓ અને પરિવારના સભ્યોની પૂછપરછ કરી રહી છે જેથી આ આત્મઘાતી પગલાં પાછળનું સાચું કારણ જાણી શકાય.

 

ગળાના ભાગે ફાયરિંગ કરી આપઘાતનો પ્રયાસ કર્યો: PI

 

આ અંગે સેક્ટર 7 PIએ જણાવ્યું કે, રાઈફલ જેવા હથિયાર વડે હસમુખ પ્રજાપતિએ ગળાના ભાગે ફાયરિંગ કરી આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલમાં તેની તબિયત નાજૂક છે, જે ગાંધીનગર સિવિલમાં આઈસીયુમાં એડમિટ છે.

 

પત્ની બેભાન હાલતમાં, ઘરકંકાસની આશંકા:સૂત્ર

 

આ સમગ્ર મામલે પોલીસના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે, સેકટર 1માં કોસ્ટ ગાર્ડની ઓફિસર મેસ છે કોસ્ટ ગાર્ડનો જવાન અહીં નાસ્તો કરવા માટે આવ્યો હતો. આ દરમિયાન કોઈ કારણ સર તેણે પોતાની રાઇફલ વડે ગોળી બાર કરીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ થી વધુ સારવાર અર્થે અમદાવાદ કેડી હોસ્પિટલમાં રિફર કરાયો. હાલમાં કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. આ સમગ્ર મામલે અમે કોસ્ટગાર્ડના સીઓ સાથે વાતચીત કરી છે. જેમાં આ જવાનને ઓફિસ તરફથી કોઈ ત્રાસ ન હોવાનું પણ જાણવા મળ્યું છે. આ જવાનની પત્ની પણ બનાવના પગલે બેભાન હાલતમાં છે. પ્રાથમિક રીતે ઘર કંકાસ હોય તેવું લાગી રહ્યું છે.

 

હાલમાં જાણવા જોગ નોંધ કરીને વધુ તપાસ ચાલી રહી છે.

 

માણસા પોલીસ મથકના યુવા પોલીસકર્મીએ ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી22 જૂન, 2026એ ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ મથકમાં ફરજ બજાવતા આશરે 28 વર્ષીય યુવા પોલીસકર્મી પર્વ વિનોદભારતી ગોસ્વામીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર પોલીસ આલમ સ્તબ્ધ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યા પાછળ પારિવારિક વિખવાદ કે ગૃહ કંકાસ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *