સેક્ટર-22ની નર્સિંગ હોમ હોસ્પિટલમાં આજે તારીખ 27 જૂનના રોજ તબીબી બેદરકારીનો એક ગંભીર અને ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, હોસ્પિટલમાં ડિલિવરી માટે લાવવામાં આવેલી એક મહીલાનું ટૂંકી સારવાર દરમિયાન રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા પરિવારજનો દ્વારા તાત્કાલિક નર્સિંગ હોમ ખાતે દાખલ કરવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરની દેખરેખ હેઠળ મહિલાની ડિલિવરી કરાવવામાં આવી હતી.
મહિલાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો, જેને પગલે શરૂઆતમાં પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરંતુ આ ખુશી લાંબો સમય ટકી શકી નહોતી અને બાળકનો જન્મ થયાના ગણતરીના 24 કલાકની અંદર જ મહિલાની તબિયત અચાનક લથડી પડી હતી,અને તેનુ મોત નીપજ્યુ હતુ.
મહિલાના મૃત્યુના સમાચાર મળતા જ સમાજના આગેવાનો અને મૃતકના સગા-સંબંધીઓ હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા અને ડૉક્ટર સામે પોતાનો
રોષ ઠાલવ્યો હતો. પરિવારજનોએ ડૉક્ટર પર ખૂબ જ ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું છે કે આ મોત કુદરતી નથી, પરંતુ ડૉક્ટરની ઘોર બેદરકારી અને સારવારમાં રાખવામાં આવેલી મોટી ભૂલનું પરિણામ છે. આ બાબતને લઈને હોસ્પિટલની અંદર અને બહાર લોકોના ટોળેટોળાં જમા થઈ ગયા હતા અને ન્યાયની માંગ સાથે પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
પરિવારમાં આક્રોશ વધવાનું એક મુખ્ય કારણ એ પણ સામે આવ્યું છે કે આ જ હોસ્પિટલમાં છેલ્લા માત્ર 15 દિવસની અંદર બનેલી આ બીજી મોટી અને ગંભીર ઘટના છે. લોકોનો આરોપ છે કે ટૂંકા સમયગાળામાં જ આ બીજો એવો કિસ્સો બન્યો છે જેમાં હોસ્પિટલ તંત્ર કે ડૉક્ટરની ક્ષતિના કારણે કોઈ દર્દીનું મોત નીપજ્યું હોય. એક જ પખવાડિયામાં બે-બે કિસ્સા બનતા હોસ્પિટલની કામગીરી અને તબીબોની લાયકાત સામે પણ સ્થાનિક લોકો દ્વારા અનેક સવાલો ઉઠાવાઈ રહ્યા છે.
