દિલ્હી, તા.9 સુપ્રિમ કોર્ટે વસીયત (વિલ)ની કાયદેસર માન્યતા પર મહત્વનો નિર્ણય સંભળાવતા કહ્યું હતું કે માત્ર સાક્ષીના નિવેદન કે વસીયતના રજિસ્ટ્રેશનથી તેની સચ્ચાઇ સાબિત નથી થઇ જતી
જો વસીયતના અમલની આસપાસ શંકાસ્પદ પરિસ્થિતિઓ હોય તો વસીયત રજૂ કરનાર વ્યક્તિ (પ્રોપાઉન્ડર)ની જવાબદારી છે કે તે બધી શંકાઓ દૂર કરે અને અદાલતને ભરોસો આપે કે આ વસીયતકર્તાની સ્વતંત્ર અને અંતિમ ઇચ્છા અનુસાર બનાવાઇ હતી.
જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે હિમાચલ પ્રદેશ હાઇકોર્ટનો ફેંસલો પલટીને વર્ષ 1974ની એક રજિસ્ટર્ડ વસીયતના આધારે કરવામાં આવેલ. સંપત્તિ હસ્તાંતરણને રદ કરી દીધું હતું.
મામલો એક ખેડૂતની વસીયત સાથે જોડાયેેલો હતો, જે દસ્તાવેજો પર માત્ર અંગુઠો લગાડતો હતો. સુપ્રિમ કોર્ટે જાણ્યું કે વસીયતના અમલ સાથે જોડાયેલ ગંભીર અને ઉચિત શંકાઓનો પ્રતિવાદી સંતોષકારક જવાબ નથી આપી શક્યા.
હાઇકોર્ટે પહેલા માન્યું હતું કે, જ્યારે વસીયતનું વેરિફિકેશન કરનાર સાક્ષીએ તેના અમલની પુષ્ટિ કરી દીધી અને દસ્તાવેજ પણ રજિસ્ટર્ડ પણ છે, તો તેને માન્ય માની શકાય છે. પરંતુ સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે વસીયત સાબિત કરવા માટે માત્ર સાક્ષીના નિવેદન કે અંગુઠા સુધી સીમિત નથી.
અદાલતે જણાવ્યું હતું કે, આ કેસમાં શંકાસ્પદ પરિસ્થિતિઓનું ક્ષેત્ર વ્યાપક છે. જો કે એ પણ સ્પષ્ટ કર્યું કે માત્ર કલ્પના કે નિરાધાર આશંકાને શંકાનો આધાર ન બનાવી શકાય.
આ ફેસલાથી સ્પષ્ટ થયું છે કે, વસીયતની કાનૂની માન્યતા માત્ર સાક્ષીઓના નિવેદન કે રજિસ્ટ્રેશન પર નિર્ભર નહીં રહે. જો દસ્તાવેજ શંકાસ્પદ સ્થિતિમાં તૈયાર થયા છે. તો તેને રજુ કરનારે તેની નિષ્પક્ષતા અને વાસ્તવિકતા સાબિત કરવી પડશે. આથી વાસ્તવિક ઉત્તરાધિકારીઓને સંરક્ષણ મળશે
