નાણાકીય બાબતોમાં કરવામાં આવેલી નાની સરખી બેદરકારી પણ તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. જો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવામાં વિલંબ કરો છો અથવા તમારી સાચી આવક છુપાવો છો, તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમારા પર 200% સુધીનો ભારે દંડ લગાવી શકે છે.આવકવેરા કાયદા હેઠળ ટેક્સની ચોરી કરવી કે કમાણી છુપાવવી એ ગંભીર ગુનો માનવામાં આવે છે. ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 270A મુજબ, જો કોઈ કરદાતા પોતાની આવક ઓછી દર્શાવે છે (Under-reporting), તો તેણે છુપાવેલી આવક પર બનતા ટેક્સના 50% રકમ દંડ તરીકે ચૂકવવી પડશે. એટલું જ નહીં, જો એ સાબિત થાય કે તમે જાણીજોઈને હકીકતો છુપાવી છે કે ખોટા દાવા કર્યા છે (Misreporting), તો આ પેનલ્ટી વધીને ટેક્સના 200% સુધી પહોંચી શકે છે.
ઘણા લોકો છેલ્લી તારીખ સુધી આઇટીઆર ફાઇલ કરવાનું ટાળતા હોય છે, જે પાછળથી મોંઘું સાબિત થાય છે. કલમ 234F અનુસાર, નિયત સમયમર્યાદા વીતી ગયા પછી રિટર્ન ફાઇલ કરવા બદલ ₹૫,૦૦૦ સુધીની લેટ ફી ચૂકવવી પડી શકે છે. જોકે, જે કરદાતાઓની કુલ વાર્ષિક આવક ૫ લાખ રૂપિયાથી ઓછી છે, તેમના માટે આ લેટ ફીની મર્યાદા ₹૧,૦૦૦ સુધી સીમિત રાખવામાં આવી છે.
ટેક્સ નિયમોના ઉલ્લંઘન પર અન્ય આકરા દંડ
આવકવેરા વિભાગ માત્ર આઇટીઆર પર જ નહીં, પરંતુ નાણાકીય હિસાબોમાં થતી અન્ય ભૂલો પર પણ કડક નજર રાખે છે:
TDS/TCS સ્ટેટમેન્ટમાં વિલંબ: જો કલમ 234E હેઠળ ટીડીએસ કે ટીસીએસ સ્ટેટમેન્ટ સમયસર સબમિટ કરવામાં ન આવે, તો વિલંબના ગાળા દરમિયાન દરરોજ ₹૨૦૦ નો દંડ વસૂલવામાં આવે છે.
બુક ઓફ એકાઉન્ટ્સ મેન્ટેન ન કરવા: વ્યવસાય કે વ્યવસાયિક આવકના જરૂરી ચોપડા (Books of Account) વ્યવસ્થિત ન રાખવા બદલ કલમ 271A હેઠળ ₹૨૫,૦૦૦ ની પેનલ્ટી લાગી શકે છે.
ઓડિટ ન કરાવવા પર દંડ: નિયમોનુસાર ઓડિટ કરાવવું ફરજિયાત હોવા છતાં તેમ ન કરવા બદલ ટર્નઓવરના 0.5% અથવા મહત્તમ ₹૧.૫ લાખ સુધીનો મોટો દંડ ભરવો પડી શકે છે.
બ્રિટન (UK) જતાં ભારતીય પ્રોફેશનલ્સ માટે રાહતના સમાચાર
એક તરફ જ્યાં દેશમાં ટેક્સના નિયમો કડક થઈ રહ્યા છે, ત્યાં બીજી તરફ વિદેશમાં નોકરી કરતા ભારતીય નાગરિકો માટે સરકાર એક ખુશખબર લઈને આવી છે. ભારત અને યુકે (UK) વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અને ‘ડબલ કન્ટ્રીબ્યુશન કન્વેન્શન’ (DCC) અમલમાં આવી રહ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલના જણાવ્યા અનુસાર, અગાઉ જ્યારે ભારતીય આઈટી કે અન્ય પ્રોફેશનલ્સ ૨ થી ૫ વર્ષના ટૂંકા ગાળા માટે બ્રિટન કામ કરવા જતા હતા, ત્યારે તેમની સેલરીનો આશરે ૨૫% જેટલો મોટો હિસ્સો ત્યાંના નેશનલ ઇન્સ્યોરન્સ કન્ટ્રીબ્યુશન (NIC) માં કપાઈ જતો હતો. બ્રિટનના કાયદા મુજબ ત્યાં પેન્શનનો લાભ લેવા માટે ઓછામાં ઓછું ૧૦ વર્ષ રહેવું ફરજિયાત હોવાથી, ટૂંકા ગાળા માટે ગયેલા ભારતીયોને આ કાપેલી રકમનો ભવિષ્યમાં કોઈ જ ફાયદો મળતો નહોતો.
ભારતીય પીએફ (PF) ખાતામાં સીધા જમા થશે પૈસા
આ ઐતિહાસિક સમજૂતી બાદ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ જશે. ‘ડબલ કન્ટ્રીબ્યુશન કન્વેન્શન’ લાગુ થવાને કારણે, જે ભારતીય કર્મચારીઓ ૫ વર્ષ સુધીના શોર્ટ-ટર્મ અસાઇનમેન્ટ માટે યુકે જશે, તેમની સેલરીનો એ ૨૫% હિસ્સો હવે બ્રિટન સરકાર પાસે જમા નહીં થાય.
તેના બદલે, તે નાણાં સીધા ભારતમાં તેમના પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. આ જમા રકમ પર કર્મચારીઓને 8.25% ના દરે ટેક્સ-ફ્રી વ્યાજ મળતું રહેશે. સરકારના આ પગલાથી વિદેશમાં કામ કરતા ભારતીયોની ટેક-હોમ સેલરીમાં વધારો થશે અને સાથે જ તેમના નિવૃત્તિ સમય (Retirement) માટે એક મોટું અને સુરક્ષિત ભંડોળ પણ તૈયાર થશે જે તેમના પરિવારને સામાજિક સુરક્ષા પ્રદાન કરશે.
