ભારતીય ઇલેક્ટ્રોનિક્સ બજારમાં એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. છેલ્લાં એક દાયકા કરતાં પણ વધુ સમયમાં પહેલીવાર એવું બન્યું છે કે એન્ટ્રી-લેવલ એટલે કે સસ્તા સ્માર્ટફોન અને ટીવીના વેચાણમાં મોટો ઘટાડો નોંધાયો છે.
બજારનાં નિષ્ણાતો અને ઉદ્યોગ જગતનાં અગ્રણીઓના જણાવ્યાં અનુસાર, મેમરી ચિપની કિંમતોમાં થયેલાં સતત વધારાને કારણે સસ્તા ઉપકરણો મોંઘા થયાં છે, જેનાં લીધે સામાન્ય અને મધ્યમ વર્ગનાં ખરીદદારો અત્યારે નવો ફોન કે ટીવી ખરીદવાનું ટાળી રહ્યાં છે.જ્યારે બીજી તરફ, મધ્યમ શ્રેણી (મિડ-રેન્જ) અને પ્રીમિયમ એટલે કે મોંઘા સ્માર્ટફોનની માંગમાં ગયા વર્ષ કરતાં પણ વધુ ઝડપે વધારો થઈ રહ્યો છે. આનું મુખ્ય કારણ એ છે કે મોંઘા ફોન બનાવવામાં મેમરી ચિપનો હિસ્સો કુલ ઉત્પાદન ખર્ચમાં ઘણો ઓછો હોય છે, જેના કારણે પ્રીમિયમ સેગમેન્ટમાં કંપનીઓએ ભાવમાં બહુ મોટો વધારો કરવો પડ્યો નથી. આ જ કારણે ગ્રાહકો હવે થોડા વધુ પૈસા ખર્ચીને પણ સારી ગુણવત્તાવાળા ફોન તરફ વળી રહ્યાં છે.
માર્કેટ રિસર્ચ સંસ્થા ‘કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ’ ના ડેટા અનુસાર, ચાલું વર્ષે જાન્યુઆરીથી મે મહિના દરમિયાન રૂા.12,000 થી ઓછી કિંમતના સ્માર્ટફોનના વેચાણમાં વાર્ષિક ધોરણે 54 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. તેની સરખામણીમાં રૂા.12,000 થી રૂા.30,000 ની રેન્જના ફોનના વેચાણમાં 17 ટકાનો અને રૂા.30,000 થી વધુ કિંમતનાં પ્રીમિયમ ફોનનાં વેચાણમાં 6 ટકાનો વધારો થયો છે.
આ ઘટાડાને કારણે કુલ ફોન વેચાણમાં સસ્તા ફોનનો હિસ્સો ઘટીને માત્ર 14 ટકા જ રહી ગયો છે. ટીવી માર્કેટમાં પણ બિલકુલ આવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જાન્યુઆરીથી જૂન દરમિયાન 32-ઇંચના નાના ટીવીના વેચાણમાં 35 ટકાથી વધુનો ઘટાડો થયો છે. ઉત્પાદન ખર્ચ વધવાને કારણે 32-ઇંચના ટીવીના ભાવમાં
સરેરાશ રૂા.3,000 થી રૂા.3,500 સુધીનો વધારો ઝીંકાયો છે.
તેનાથી વિપરીત, 43-ઇંચ કે તેનાથી મોટા સ્ક્રીનવાળા ટીવીની માંગમાં 8 થી 15 ટકાનો વધારો થયો છે, કારણ કે મોટા ટીવીના ભાવમાં કંપનીઓએ બહુ મોટો વધારો કર્યો નથી.
બજારમાં સસ્તા ફોનની માંગ સતત ઘટતી હોવાને કારણે સ્માર્ટફોન બનાવતી કંપનીઓએ પણ બજારમાંથી સસ્તા મોડલ્સની સંખ્યામાં 17 ટકાનો ઘટાડો કરી દીધો છે. આ ઉપરાંત, રિટેલ ચેઈનના સંચાલકોના જણાવ્યાં અનુસાર લેપટોપ માર્કેટમાં પણ આ જ સ્થિતિ છે. જે લેપટોપ પહેલાં રૂા.35,000 ની આસપાસ મળતાં હતાં, તે હવે રૂા.50,000 ની નજીક પહોંચી ગયા છે. જો કે, આજના સમયમાં સરળતાથી મળતી EMI સ્કીમોને કારણે ગ્રાહકો સસ્તાં ફોન છોડીને ઊંચી કિંમતના ફોન ખરીદવા તરફ પણ આકર્ષાયા છે.
આ મુશ્કેલ પરિસ્થિતિ અને મોંઘવારીને પહોંચી વળવા માટે કેટલીક ટીવી ઉત્પાદક કંપનીઓએ હવે એક નવો રસ્તો અપનાવ્યો છે. કંપનીઓ હવે ફરીથી ‘નોન-સ્માર્ટ ટીવી’ (ઇન્ટરનેટ વગરના સાદા ટીવી) માર્કેટમાં લાવી રહી છે, જે સામાન્ય રીતે કંપનીઓએ 4-5 વર્ષ પહેલાં બનાવવાનું બંધ કરી દીધું હતું.
સાદા ટીવીમાં મેમરી ચિપની જરૂર પડતી નથી, જેથી 32-ઇંચના ટીવીને ફરીથી રૂા.8,000 થી નીચેની કિંમતમાં લાવી શકાશે, જેથી પ્રથમ વખત ટીવી ખરીદનારા ગ્રાહકોને ફરી આકર્ષી શકાય.