જન્મદાત્રી માતા, ધરતીમાતા, ગૌમાતા અને નદીમાતાનું જતન કરતો સમાજ સુખ, શાંતિ અને સમૃદ્ધિનો અધિકારી બને છે : ભરત પંડ્યા
ખેતી, ખેડૂત અને ગામડાંની સમૃદ્ધિ માટે કિસાન મોરચો સદૈવ કટિબદ્ધ છે : ભારતીય જનતા પાર્ટીનું મૂળ ધ્યેય જમીન સ્તર છેવાડાના માનવીના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું છે:હીરેન હિરપરા
પીરાણા
યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રાકૃતિક ખેતી અંગેના દૂરંદેશી વિઝનને ધરાતલ પર સાકાર કરવા, ભારતીય જનતા પાર્ટી–ગુજરાત પ્રદેશના આદરણીય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના સંગઠનાત્મક માર્ગદર્શન અને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ શ્રી હિરેનભાઈ હિરપરાના રાજ્યવ્યાપી આયોજન અંતર્ગત પ્રથમ ‘પ્રાકૃતિક કૃષિ શાળા’નો ભવ્ય અને સફળ આરંભ કરવામાં આવ્યો.
ભારતીય જનતા પાર્ટી–ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રાકૃતિક કૃષિ અને ગૌ સેવા સેલ દ્વારા આષાઢી બીજના પાવન પર્વે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલા શ્રી કલ્કિ તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાકૃતિક યજ્ઞ અને ગૌપૂજન સાથે કાર્યક્રમનો મંગલમય પ્રારંભ થયો હતો. ત્યારબાદ ઉપસ્થિત આગેવાનો, કૃષિ નિષ્ણાતો અને ખેડૂત ભાઈઓ દ્વારા પ્રાકૃતિક ખેતરનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂત ભાઈઓ સાથે પ્રાકૃતિક કૃષિ, ગૌ આધારિત ખેતી, જમીનની ફળદ્રુપતા, જમીનના સ્વાસ્થ્યનું સંવર્ધન, રાસાયણિક ખાતરો પરની નિર્ભરતામાં ઘટાડો, કૃષિ ખર્ચમાં ઘટાડો તથા પર્યાવરણીય સંતુલન જેવા મહત્ત્વપૂર્ણ વિષયો અંગે જીવંત, અર્થસભર અને પરિણામલક્ષી સંવાદ સ્થાપિત થયો હતો.
ભારતીય જનતા પાર્ટી–ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ અને કિસાન મોરચાના પ્રદેશ પ્રભારી શ્રી ભરતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, જે રાષ્ટ્ર કે સમાજ ચાર માતાઓનું ધ્યાન રાખે છે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સદૈવ જળવાઈ રહે છે. પહેલી આપણી જન્મદાત્રી માતા, બીજી ધરતીમાતા, ત્રીજી ગૌમાતા અને ચોથી નદીમાતા છે.
તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ માત્ર ખેતી કરવાની એક પદ્ધતિ નથી, પરંતુ ધરતીમાતા અને ગૌમાતા પ્રત્યેની આપણી કૃતજ્ઞતાનું વ્યવહારુ સ્વરૂપ છે. જમીન, જળ, ગૌવંશ અને પર્યાવરણનું સંવર્ધન કરીને જ આવનારી પેઢીઓને સ્વસ્થ, સમૃદ્ધ અને ટકાઉ કૃષિ વારસો આપી શકાશે.
ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ શ્રી હિરેન હિરપરાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી એક વિચારધારા ધરાવતી અને રાષ્ટ્રનિર્માણના ધ્યેયને સમર્પિત પાર્ટી છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના વિચારને કેન્દ્રમાં રાખીને ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચો માત્ર મત માટે નહીં, પરંતુ ખેતી, ખેડૂત અને ગામડાંની સર્વાંગી સમૃદ્ધિ માટે સદૈવ કટિબદ્ધ છે.
શ્રી હિરપરાએ વધુમાં જણાવ્યું હતું કે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતોને ઓછા ખર્ચે, ઝેરમુક્ત, પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ ખેતી તરફ આગળ વધવા માટે પ્રાકૃતિક કૃષિનો માર્ગ દર્શાવ્યો છે. આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના સંગઠનાત્મક માર્ગદર્શન હેઠળ વડાપ્રધાનશ્રીના આ વિઝનને ગુજરાતના ગામડે-ગામડે પહોંચાડવાની જવાબદારી કિસાન મોરચાએ સ્વીકારી છે.
તેમણે કહ્યું હતું કે પ્રથમ પ્રાકૃતિક કૃષિ શાળાનો આ સફળ આરંભ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ ગુજરાતવ્યાપી ખેડૂત જાગૃતિ અને કૃષિ પરિવર્તનના અભિયાનનું પ્રથમ સોપાન છે. આગામી સમયમાં રાજ્યના ૨૫૦થી વધુ તાલુકાઓમાં પ્રાકૃતિક કૃષિ શાળાઓનું આયોજન કરીને ખેડૂતોને પ્રત્યક્ષ તાલીમ, કૃષિ નિષ્ણાતોનું માર્ગદર્શન, ખેતર આધારિત પ્રયોગો તથા સ્થાનિક કૃષિ સમસ્યાઓના વ્યવહારુ ઉકેલો આપવામાં આવશે.
શ્રી હિરપરાએ વધુમાં કહ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ દ્વારા ખેતીમાં થતો બિનજરૂરી ખર્ચ ઘટાડી શકાય છે, જમીનની જીવંતતા અને ફળદ્રુપતા પુનઃસ્થાપિત કરી શકાય છે તથા ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મજબૂત પગલું ભરી શકાય છે. ગૌ આધારિત કૃષિ માત્ર આપણી પરંપરાનું સંરક્ષણ નથી, પરંતુ વૈજ્ઞાનિક, ટકાઉ અને ભાવિ પેઢીઓ માટે હિતકારી કૃષિ વ્યવસ્થાનું નિર્માણ છે.
તેમણે ઉમેર્યું હતું કે ખેડૂતોના પ્રશ્નોનો સાચો ઉકેલ માત્ર સભાખંડોમાં ચર્ચા કરવાથી નહીં, પરંતુ તેમના ખેતર સુધી પહોંચીને, તેમની વાત સાંભળીને અને સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ માર્ગદર્શન આપવાથી પ્રાપ્ત થાય છે. કિસાન મોરચો ખેડૂત, કૃષિ નિષ્ણાત અને સરકાર વચ્ચે સેતુ બનીને આ કાર્યને સતત આગળ વધારશે.
એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ સેલના પ્રદેશ કન્વીનર અને કૃષિ નિષ્ણાત ડૉ. વી. પી. રામાણીએ જણાવ્યું હતું કે, આપણે ધરતીપુત્રો છીએ. ધરતી પાસેથી આપણે જે કંઈ મેળવીએ છીએ, તે આજે નહીં તો કાલે ધરતીને પરત આપવું જ પડશે. પ્રકૃતિનું શોષણ નહીં, પરંતુ સંતુલિત અને સંવેદનશીલ દોહન થવું જોઈએ.
તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવતી વખતે ખેડૂતોને પડતી વ્યવહારુ મુશ્કેલીઓ, જમીનનું સ્વાસ્થ્ય, ગૌ આધારિત કૃષિ સામગ્રી, પાક વ્યવસ્થાપન, જીવાત નિયંત્રણ તથા રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી તરફ તબક્કાવાર પરિવર્તન સહિતના ટેકનિકલ પ્રશ્નો અંગે માર્ગદર્શન આપીને ખેડૂતોની જિજ્ઞાસાઓનું સમાધાન કર્યું હતું.
આ ઉપરાંત, કિસાન મોરચા વતી પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં નોંધપાત્ર અને પ્રેરણાદાયી કાર્ય કરતા પ્રગતિશીલ મહિલા તેમજ પુરુષ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી શ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રદેશ મંત્રી શ્રી મહેશભાઈ દેસાઈ, પ્રદેશ મંત્રી શ્રી વિપુલભાઈ બારોટ અને એગ્રી રિસર્ચ સેલના પ્રદેશ સહ કન્વીનર શ્રી મહેશભાઈ પટલેની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. અમદાવાદ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ, જિલ્લા પ્રભારી શ્રી કમલેશભાઈ હાડી સહિત પ્રદેશ, જિલ્લા અને મંડળ કક્ષાના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન અને સફળ વ્યવસ્થાપન શ્રી કલ્કિ તીર્થધામ પ્રેરણાપીઠ તથા પ્રાકૃતિક કૃષિ અને ગૌ સેવા સેલના પ્રદેશ કન્વીનર શ્રી હર્ષદભાઈ પટેલના સંકલન હેઠળ કરવામાં આવ્યું હતું.
ગૌપૂજન, પ્રાકૃતિક ખેતરનું પ્રત્યક્ષ નિરીક્ષણ, કૃષિ નિષ્ણાતોનું માર્ગદર્શન અને ખેડૂતો સાથે યોજાયેલા ખુલ્લા પ્રશ્નોત્તરી સંવાદના પરિણામે આ કાર્યક્રમ જ્ઞાન, અનુભવ અને સંકલ્પનો સુંદર સંગમ બન્યો હતો. ખેડૂતોની ઉત્સાહસભર ઉપસ્થિતિ અને સકારાત્મક પ્રતિસાદે પ્રાકૃતિક કૃષિ પ્રત્યે વધી રહેલા વિશ્વાસને વધુ દૃઢ બનાવ્યો હતો.
કાર્યક્રમના અંતે ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ શ્રી હિરેન હિરપરાએ જણાવ્યું હતું કે, પ્રથમ પ્રાકૃતિક કૃષિ શાળાની સફળતા ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે રહેલી જિજ્ઞાસા, સ્વીકાર્યતા અને પરિવર્તનની તત્પરતાનું પ્રતીક છે. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રાકૃતિક ખેતીના વિઝનને આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના સંગઠનાત્મક માર્ગદર્શન હેઠળ ગુજરાતના ૨૫૦થી વધુ તાલુકાઓ સુધી લઈ જવામાં આવશે. ખેડૂતનું કલ્યાણ, ધરતીમાતાનું સંરક્ષણ, ગૌવંશનું સંવર્ધન અને ગામડાંની સમૃદ્ધિ, આ કિસાન મોરચાનો સંકલ્પ છે. પ્રાકૃતિક કૃષિ શાળાના માધ્યમથી કિસાન મોરચો ખેડૂતોના ખેતર સુધી જ્ઞાન, તાલીમ અને ટેકનિકલ માર્ગદર્શન પહોંચાડીને આ સંકલ્પને જનઆંદોલનનું સ્વરૂપ આપશે.

