Vikram-1 Launch : ભારતનું પ્રથમ પ્રાઈવેટ રોકેટ ‘વિક્રમ 1’ કરાયું લોન્ચ, અંતરિક્ષ ક્ષેત્રે રચાયો નવો ઈતિહાસ

Spread the love

ભારતના ખાનગી સ્પેસ ક્ષેત્ર માટે આજે ઐતિહાસિક દિવસ છે. હૈદરાબાદ સ્થિત સ્પેસ કંપની સ્કાયરૂટ એરોસ્પેસે પોતાના પ્રથમ ઓર્બિટલ રૉકેટ ‘વિક્રમ-1’ને લોન્ચ કર્યું છે. આ રૉકેટનું લોન્ચિંગ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ મિશનને ‘આગમન’ નામ આપવામાં આવ્યું છે.આ સફળતા માત્ર સ્કાયરૂટ માટે નહીં પરંતુ ભારતના સમગ્ર પ્રાઇવેટ સ્પેસ સેક્ટર માટે એક મોટો માઇલસ્ટોન સાબિત થયો છે. વર્ષ 2020માં ભારત સરકારે સ્પેસ ક્ષેત્રમાં મોટા સુધારા કર્યા હતા, જેના બાદ ખાનગી કંપનીઓને રૉકેટ, સેટેલાઈટ અને લોન્ચ સેવાઓના ક્ષેત્રમાં કામ કરવાની મંજૂરી મળી હતી. આ માટે ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રોત્સાહન અને અધિકૃતતા કેન્દ્ર દ્વારા જરૂરી સહયોગ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ પણ લોન્ચિંગ પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ‘ઐતિહાસિક નવી શરૂઆત’.

 

અગાઉ વર્ષ 2022માં ‘વિક્રમ-S’ નામનું સબ-ઓર્બિટલ રૉકેટ લોન્ચ કર્યું હતું

 

સ્કાયરૂટે અગાઉ વર્ષ 2022માં ‘વિક્રમ-S’ નામનું સબ-ઓર્બિટલ રૉકેટ લોન્ચ કર્યું હતું, પરંતુ તેમાં સેટેલાઈટને કક્ષામાં મોકલવામાં આવ્યો નહોતો. હવે વિક્રમ-1 દ્વારા કંપનીનો ઉદ્દેશ નાના સેટેલાઈટને આશરે 450 કિલોમીટર ઊંચી લો-અર્થ ઓર્બિટમાં પહોંચાડવાનો છે. વિક્રમ-1 ચાર તબક્કાવાળું રૉકેટ છે. તેના પ્રથમ ત્રણ તબક્કામાં સોલિડ ફ્યુઅલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે ચોથા તબક્કામાં રી-સ્ટાર્ટ કરી શકાય તેવું લિક્વિડ ફ્યુઅલ એન્જિન લગાવવામાં આવ્યું છે. આ ટેક્નોલોજી સેટેલાઈટને ચોક્કસ કક્ષામાં પહોંચાડવામાં મદદ કરશે.

 

સ્કાયરૂટ એરોસ્પેસની સ્થાપના કોણે કરી?

 

સ્કાયરૂટ એરોસ્પેસની સ્થાપના વર્ષ 2018માં ઈસરોના પૂર્વ એન્જિનિયર પવન કુમાર ચંદના અને નાગા ભરત ડાકાએ કરી હતી. હવે વિક્રમ-1 મિશન ભારતના ખાનગી અવકાશ ક્ષેત્રની સૌથી મોટી પરીક્ષા માનવામાં આવી રહ્યું છે. સફળતા મળ્યા બાદ દેશમાં કોમર્શિયલ સેટેલાઇટ લોન્ચિંગની નવી તકો ઊભી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *