રાજ્યમાં ખાનગી અને સરકારી જમીન પરના દબાણો સામે પગલાં લેવા રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ બનાવ્યો છે . અમદાવાદ મ્યુનિ.બી.યુ.પરમિશન વગરના બિલ્ડિંગ સીલ કરે છે. પરંતુ શહેરમાં સરકારી જમીન પર તાણી બાંધવામાં આવેલા ૪૨,૧૭૬ મકાન સામે કોઈ કાર્યવાહી થતી નથી. દબાણનો આ સત્તાવાર રેકોર્ડ મ્યુનિ. પાસે છે પરંતુ ૯ વર્ષથી કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા રાજ્ય સરકાર ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવી હતી. ૨૦૧૨માં અમદાવાદમાં ગેરકાયદે બાંધકામો નિયમિત કરાવી લેવા ૨,૪૩,૧૦૫ મકાન માલિકોએ અરજી કરી હતી. જાે કે મ્યુનિ.એ તમામ અરજીની ચકાસણી બાદ ૨.૪૩ લાખમાંથી ૧,૨૮,૦૪૯ અરજી જ માન્ય રાખી હતી. જાેકે બાકીની અરજીઓ મ્યુનિ.એ નામંજૂર કરી હતી. ઇમ્પેક્ટ ફી ભરીને બાંધકામ કાયદેસર કરાવવા માટેની ૪૨,૧૭૬ અરજી ફગાવતા મ્યુનિ.એ કારણ આપ્યું હતું કે, આ બાંધકામ સરકારી જમીન પર થયેલું છે. મ્યુનિ.ની દલીલ હતી કે, જમીન સરકારી હોવાથી મકાનની માલિકી પ્રસ્થાપિત થતી ન હોવાથી બાંધકામ નિયમિત કરી શકાય નહીં.ગેરકાયદે બંધાયેલા આ મકાનોને તે સમયે ઇમ્પેક્ટ ફીમાં નિયમિત કરાયા ન હતા. સરકારી જમીન પર બનેલી ઝૂંપડપટ્ટીને મ્યુનિ. તંત્ર માત્ર નોટિસ આપીને ઉખેડીને ફેંકી દે છે, સરકારી જમીન પર બનેલી આખી સોસાયટીઓને હાથ લગાવવાની મ્યુનિ.ની હિંમત નથી. ૯ વર્ષથી મ્યુનિ. પાસે સરકારી જમીન પર બંધાયેલા મકાનોની માહિતી હોવા છતાં કોઇ પગલાં લેવાયા નથી. શહેરમાં સરકારી જમીન પર બનેલા મકાનોમાં ૫૦ ટકા મકાનો તો માત્ર પૂર્વ ઝોનમાં જ છે. એટલે કે સરકારી જમીન પર ગેરકાયદે બનેલા ૨૩ હજારથી વધુ મકાનો તો માત્ર પૂર્વ ઝોનમાં જ છે.
અમદાવાદ શહેરમાં નિયત કરતાં વધુ જમીન ધરાવનાર ખેડૂતો પાસેથી યુએલસીના કાયદા હેઠળ સરકારી હસ્તક લીધેલી જગા પર બનેલા ૭૧૪ જેટલાં મકાનોની અરજીઓ પણ મ્યુનિ.એ નામંજૂર કરી હતી. આ જગ્યામાં સૌથી વધુ મકાનો નવા પશ્ચિમ ઝોનમાં ૬૮૯ જેટલાં છે. જાેકે આ તમામ અરજીઓ પણ મ્યુનિ.એ નામંજૂર કરી હતી. સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ બનાવ્યો છે. જેમાં સરકારી જમીન પર કરેલા ગેરકાયદે દબાણ કરનારા સામે ફોજદારી પગલાં લેવાની જાેગવાઇ કરી છે. પરંતુ શું શહેરમાં સરકારી જમીન પર બનેલા ૪૨ હજાર મકાનો સામે કોઇ કાર્યવાહી થશે? કાયદા છતાં તેનો અમલ પસંદગીના ધોરણે થતો હોવાની ચર્ચા છે.