ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના આજોલ ગામની આજરોજ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી નિરૂપા ગઢવીએ મુલાકાત લીધી હતી. તેમણે અંત્યોદય અને એન.એફ.એસ.એ. કાર્ડધારકોના ઘરે ઘરે જઇ તેમની રૂબરૂ મુલાકાત કરીને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા.
ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યએ કોરોના કાળ દરમિયાન અધિકારીઓ – અરજદારો તેમજ કચેરીઓ વચ્ચે અંતર ઉભું થયું છે. આ અંતરને ધટાડવા અને ગ્રાઉન્ડ લેવલે થતી કામગીરીનો સાચો તાગ મેળવવાના ઉમદા આશયથી જિલ્લા કલેકટરશ્રીએ દર શુક્રવારે તેમના કાર્યક્ષેત્રને સંબંધિત ફિલ્ડ વિઝિટ કરવાની સૂચના જિલ્લાના અધિકારીઓને આપી છે. તેમજ દર અઠવાડિયા ફિલ્ડ વિઝિટનો અહેવાલ આપવા માટે ભારપૂર્વક જણાવ્યું છે.
જે અન્વયે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી નિરૂપા ગઢવીએ માણસા તાલુકાના આજોલ ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન અંત્યોદય અને એન.એફ.એસ.એ. કાર્ડધારકાના ઘરે-ઘરે જઈ તેમની મુલાકાત કરી હતી. કાર્ડધારકોના પ્રશ્નો સાંભળી સ્થળ પર નિકાલ કરવામાં આવ્યા હતો.
પુરવઠા અધિકારીશ્રીએ સરકારશ્રી દ્વારા કાર્ડધારકોને આપવામાં આવતા અનાજ સંબંધિત માહિતી પુરી પાડી હતી. ઘરે ઘરે મુલાકાત લેતાં કુલ :- ૭ રેશનકાર્ડ ધારકનું મકાન બે માળ વાળા તથા એક રેશનકાર્ડ ધારક પાસે એ.સી તથા ફોર વ્હીલર ધરાવતાં હોઇ નાયબ મામલતદારશ્રી (પુરવઠા), માણસાને સદર રેશનકાર્ડ ધારકોને નોન.એન.એફ.એસ.એ માં રેશનકાર્ડ નિયમનુસાર તબદીલ કરવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા સુચના આપવમાં આવી હતી. જે રેશનકાર્ડ ધારકોના અન્ય કારણોસર ફીંગરપ્રિન્ટ ન આવતી હોઇ તેવા કિસ્સામાં મોબાઇલ ઓ.ટી.પી દ્વારા અથવા તેમનું અન્ય ઓળખકાર્ડ જેવા કે ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, મનરેગાકાર્ડ વગેરે ઓળખ આપી વાજબી ભાવની દુકાનેથી અનાજ મેળવી શકશે, તે વાતથી પણ રેશનકાર્ડ ધારાકોને જાગૃત કર્યો હતા. આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામજનોને એન.એફ.એસ.એ. એક્ટ – ૨૦૧૩ની વિસ્તૃત સમજૂતી આપી હતી.આ એક્ટ હેઠળ કોને લાભ મળી શકે, કેવી રીતે મેળવી શકાય જેવી અનેક બાબતોથી સર્વે ગ્રામજનોને વાકેફ કર્યા હતા.