વાવ તાલુકાના ભડવેલ ગામના ગૌભક્ત આગામી રવિવારથી ગૌમાતાને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવાની તથા ગૌહત્યા પર પ્રતિબંધની માંગણી સાથે ગાંધીનગર મુકામે આમરણાંત ઉપવાસ પર ઉતરી રહ્યા છે. તેમના સમર્થનમાં થરાદની શ્રીઆનંદપ્રકાશ બોર્ડીંગ મુકામે જીવદયાપ્રેમીઓની બેઠક યોજાઇ હતી. જેમાં ગૌભક્તને સમર્થન આપી જે સરકાર ગાયોની સાથે છે અમે તેની સાથે છીએ તેવો હુંકાર કરવામાં આવ્યો હતો. ભારતમાંથી ગૌહત્યા કલંક નાબુદ થાય અને પ્રાચિન કાળની જેમ ભારત ગાયોથી સમૃધ્ધ બને તેથી ભારતીય ગાયને રાષ્ટ્રીય કામધેનુ ઘોષિત કરવામાં આવે તેવા પવિત્ર ઉદ્દેશ્યથી આચાર્ય હિરજીભાઈ (હરીદાસ) આગામી રવિવાર ૧ લી ઓગસ્ટથી ગાધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં આમરણાંત ઉપવાસ ઉપર ઉતરી રહ્યા છે.
આ પવિત્ર અને પરોપકારી કાર્યમાં સહભાગી બની તેમને તન,મન અને ધનથી સહકાર આપવા ગુરુવારે થરાદમાં શ્રીઆનંદપ્રકાશ બોર્ડીંગમાં જીવદયાપ્રેમીઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિરજીભાઇએ જણાવ્યું હતું કે છેલ્લા દસકાથી શક્તિ પ્રમાણે ગૌસેવા પ્રવૃતી કરીએ છીએ. પરંતુ પહેલી વખત ગાયો માટે આમરણ ઉપવાસ પર ઉતરવાનું નક્કી કર્યું છે. ગાયોને અત્યારે તકલીફ છે. પણ સરકાર બહેરી બની ગઇ છે. સરકાર પાસે ગાયોને લઇને ઘણી બધી અપેક્ષાઓ આશાઓ હતી.આથી બહેરીમુંગી સરકારના કાન સુધી અવાજ સંભળાય તે માટે ગાંધીનગર મુકામે આવનારા રવિવારથી સત્યાગ્રહ છાવણીમાં આમરણાંત ઉપવાસ પર ઉતરવાનું છે. તેઓ આ બાબતે રાજ્યપાલને રૂબરૂ મળ્યા હતા. તેમજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પણ શોસિયલ મિડીયાના માધ્યમથી જાણ કરવામાં આવી હતી. છેલ્લા સાત વર્ષથી કેંદ્રની ભાજપ સરકાર પાસેથી અપેક્ષાઓ હતી અને હજુ પણ છે. આથી સૌ એ સાથે મળીને ગૌહત્યા પર પ્રતિબંધ લાવે તેવી માંગણી અને લાગણી સાથે જાેડાવવા અપીલ પણ કરાઇ હતી.
થરાદમાં રહેતા જીવદયાપ્રેમી ગણપતલાલ શિરવાડીયાએ જણાવ્યું હતું કે ગૌમાતા રાષ્ટ્રીય પ્રાણી બને તે માટે સરકાર પાસે માંગણી કરીએ છીએ. જેના માટે થરાદ વાવ સહિત સમગ્ર બનાસકાંઠા જીલ્લાની પ્રજા તેમની સાથે છે. આ કાર્યક્રમમાં મોહનભાઇ રાજગોર, નરસિંહભાઇ જાેષી, અમરતભાઈ હેવી ,સુરેશભાઇ ત્રિવેદી, કલ્પેશભાઇ તથા થરાદ યુવક મંડળના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.