કોરોનાની મહામારી વચ્ચે ધાર્મિક તહેવારોની ઉજવણી ધામધૂમથી કરવા દેવામાં આવતી નથી ત્યારે લોકોએ ભારે શ્રદ્ધા અને આનંદ સાથે જે દશામાંની પ્રતિમાની પોતાના ઘરમાં સ્થાપના કરી હતી તે દશામાંની મૂર્તિની હાલત વિસર્જન બાદ કેવી છે તે જાેવાની તસ્દી પણ કોઈ લેતું નથી. લોકોએ દશામાના વ્રતના દસ દિવસ પૂર્ણ થતાં લોકોએ માતાજીની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. જાેકે નદીમાં માતાજીની મૂર્તિના વિસર્જન પર પ્રતિબંધ હોવાના કારણે લોકો નદીના બંને કાંઠે મૂર્તિને મૂકીને ચાલ્યા ગયા હોય એવા દૃશ્યો સામે આવ્યા હતા.
તો બીજી તરફ રાજકોટની આજી નદીમાં ગટરના ગંધાતા પાણીના પ્રવાહમાં કેટલાક લોકોએ માતાજીની પ્રતિમાનું વિસર્જન કર્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે, શું આ પ્રકારે માતાજીની પ્રતિમાનું વિસર્જન કરવાથી પુણ્ય કમાઈ શકાશે. ૧૦ દિવસ સુધી લોકો માતાજીની પ્રતિમાને રોજ અલગ-અલગ ભોગ ધરાવે છે અને સવાર-સાંજ ભક્તિભાવપૂર્વક માતાજીની પૂજા-અર્ચના કરે છે પરંતુ દસમા દિવસે માતાજીની પ્રતિમાને તેઓ વિસર્જન કરવા જાય છે. પણ આડેધડ વિસર્જન કરવાના કારણે ક્યાંક માતાજીની મૂર્તિ ખંડિત થયેલી જાેવા મળે છે, તો ક્યાંક નદી કિનારે મૂર્તિ એમનમ પડેલી જાેવા મળે છે. ત્યારે લોકોએ ખરેખર ઇકોફ્રેન્ડલી મૂર્તિને પોતાના ઘરમાં જ વિસર્જન કરવાની પરંપરા શરૂ કરવી જાેઇએ.
જાેકે સુરતમાં પણ આવા જ દૃશ્યો સામે આવ્યા હતા. સુરત પોલીસ કમિશનર દ્વારા વ્રતમાં POP ની મૂર્તિની સ્થાપના ન કરવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું હતું છતાં પણ ઘણા લોકોએ POPની મૂર્તિ સ્થાપન પોતાના ઘરમાં કરી હતી અને વ્રતના ૧૦માં દિવસ બાદ લોકોને આ મૂર્તિનું વિસર્જન પણ ઇકોફ્રેન્ડલી રીતે પોતાના ઘરમાં જ કરવા માટે સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું પરંતુ લોકોએ આ જાહેરનામાનો ભંગ કરીને કેનાલમાં POP થી બનેલી દશામાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું.સુરતના ડિંડોલી વિસ્તારમાંથી પસાર થતી નહેરમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા. મહત્ત્વની વાત છે કે, લોકો તાપી નદીમાં દશા માતાજીની મૂર્તિનું વિસર્જન ન કરી શકે એટલા માટે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો પરંતુ એક રસ્તો બંધ થઇ જતા લોકોએ કેનાલમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરી નાખ્યું.બીજી તરફ અમદાવાદના સુભાષ બ્રિજ પર પણ કેટલાક એવા દૃશ્યો સામે આવ્યા હતા કે જેનાથી લોકોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચે. લોકો બ્રિજ પર લગાવવામાં આવેલી ગ્રીલ પરથી દશામાની મૂર્તિ પાણીમાં નાખી રહ્યા હતા. તો કેટલાક લોકો બ્રિજ પર જ મૂર્તિને મૂકીને ચાલ્યા ગયા હતા.