આમ આદમી પાર્ટી ગુજરાત હાલની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ગુજરાતનાં ખેડૂતો સાથે ખભે ખભો મિલાવીને ઊભી છે. વરસાદ દિવસોથી હાથતાલી આપી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારની સંવેદના ઊંઘી રહી છે. ખેડૂતોને કાયદેસર સરકારની જાહેરાત અનુસાર મળવી જાેઈતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, એસ.ડી.આર.એફ.ની યોજનાઓના અમલ વિષે ગુજરાત સરકાર મૌન છે. દુષ્કાળ મેન્યુયલ ભૂલાયું છે, સરકારની સંવેદના કોમામાં છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત સરકારની સંવેદનાને ઢંઢોલવા માટે આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવા જઈ રહી છે.આવતી કાલે ખેડૂતોની માગણીઓ અને સરકારની યોજનાઓના અમલ માટે આખા રાજયના તમામ જિલ્લાઓમાં ક્લેક્ટર મારફતે મુખ્યમંત્રીશ્રીને આવેદન પત્રો આપશે.
રાજયના રાજયપાલશ્રીને મળવા માટેનો સમય માગવામાં આવ્યો છે, જાે સમય મળે તો રાજયપાલશ્રીને મળીને રજૂઆત કરવામાં આવશે?
ત્રીજા ચરણમાં સૂઈગમ નાદેશવારી માતાના મંદિરેથી આગામી તા. ૧૦-૯-૨૧, ગણેશ ચતુર્થીના દિવસે બાઇક યાત્રા પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભેમાભાઇ ચૌધરી અને પ્રદેશ નેતા શ્રી સાગર રબારીની આગેવાનીમાં શરૂ થશે.પ્રથમ ચરણમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓને આવરી લેવાશે અને બીજા ચરણમાં મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓને આવરી લેવાશે. રાજ્યમાં પ્રવર્તતી દુષ્કાળની પરિસ્થિતિને ધ્યાને લઇ ખેતી-ખેડૂત-પશુપાલક સહિતની ગ્રામીણ જનતા માટે તાત્કાલિક પગલાં ભરવા આપ પાર્ટી ના નેતા ઇસુદાન ગઢવી સહિત અન્ય નેતાઓ માંગણી કરે છે. ગુજરાતના ખેડૂતોની સ્થિતિ આ વર્ષે ખુબ કફોડી છે. પહેલા તૌક તે વાવાઝોડાએ વિનાશ વેર્યો, હવે વરસાદ હાથ-તાળી દઈ રહ્યો છે. મોટાભાગના ડેમ અને તળાવો ખાલીખમ્મ છે. પથરાળ વિસ્તારોમાં વાવાઝોડાના માવઠા અને આગોતરા વરસાદે જે તળ વધ્યા હતા એ હવે છેડે આવી ગયા છે. એકધારા વાદળછાયા વાતાવરણને કારણે જીવાતના ઉપદ્રવે દવા ખર્ચમાં વધારો કર્યો, મોંઘા ભાવના ડીઝલ બાળ્યા પછી હવે પાક મરી પરવાર્યો છે.ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની વેબસાઈટ પર આંકડા કહે છે કે-જૂન-જુલાઈ-૨૭ ઓગસ્ટ સુધીની – જિલ્લાવાર વરસાદની ટકાવારી ખુબ ચિંતાજનક છે. આંકડાઓ અનુસાર ગુજરાતના ૫ વિસ્તારોમાં ૨૭ ઓગસ્ટ સુધીમાં કચ્છમાં સરેરાશ ૩૧.૭૪ %, ઉત્તર ગુજરાતમાં ૩૧.૯૮%, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૩૭.૯૩%, સૌરાષ્ટ્રમાં ૩૭.૦૫% અને દક્ષિણ ગુજરાતમાં ૫૧.૩૧% વરસાદ થયો છે.
એટલે કે કચ્છમાં ૬૮.૨૬%, ઉત્તર ગુજરાતમાં ૬૮.૦૨ %,પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૬૨.૦૭ %, સૌરાષ્ટ્રમાં ૬૨.૯૫ % અને દક્ષિણ ગુજરાતમાં ૬૮.૬૯ % વરસાદની ઘટ છે. આખા ગુજરાત રાજ્યનો સરેરાશ વરસાદ ૪૧.૭૧% છે એટલે રાજ્યમાં વરસાદની ૩૦ વરસની સરેરાશ સામે આ વર્ષે વરસાદની ૫૮.૨૯ %ની ઘટ છે.
આમ આદમી પાર્ટી-ગુજરાતની સરકાર પાસે સાફ માંગણી છે કે, સરકાર પાસે હાલ જે યોજનાઓ છે તેનો વખતસર અમલ શરુ કરે, લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી જરૂર પડે તો નવી યોજનાઓ બનાવી તાત્કાલિક અમલ શરૂ કરે.