રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રામજ્યોતિ પ્રગટાવી , રાજભવન પરિસર રોશનીથી ઝગમગી ઉઠ્યું : રાજ્યપાલશ્રીએ રાજભવનમાં યજ્ઞ-હવન કર્યો,પ્રધાનમંત્રીએ ભારતીય સંસ્કૃતિ અને વિરાસતની પ્રતિષ્ઠા કરી છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
ગાંધીનગર
અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં રાઘવ સ્વરૂપ શ્રીરામની પ્રતિષ્ઠાના ઐતિહાસિક પ્રસંગે રાજભવન પ્રાંગણમાં ભવ્ય રંગોળી કરીને દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રામજ્યોતિ પ્રગટાવી હતી. સમગ્ર પરિસર ભવ્ય રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું.મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ત્યાગ, પ્રેમ અને સહિષ્ણુતાનું પ્રતીક છે. આવનારી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ભારતીય સંસ્કૃતિ અને વિરાસતની પુનઃ પ્રતિષ્ઠા કરી છે.રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજના શુભ દિવસની શરૂઆત રાજભવન પરિસરમાં યજ્ઞ-હવનથી કરી હતી. રામમંદિરમાં શ્રીરામની સ્થાપનાની ઐતિહાસિક, અલૌકિક, પવિત્રતમ તથા ઊર્જાવાન ક્ષણો તેમણે રાજભવનમાં ટેલિવિઝન પર નિહાળી હતી. કરોડો ભારતવાસીઓ સાથે ભાવવિભોર થયેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સાક્ષાત ભારતીય મૂલ્યો અને સર્વોચ્ચ આદર્શોની, ભારતીય સંસ્કૃતિ પ્રતિ લોકોના અતૂટ વિશ્વાસની પ્રતિષ્ઠા કરવા બદલ શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો અને અભિનંદન પણ આપ્યા હતા.સાંજે રાજભવનના પ્રાંગણમાં આકર્ષક રંગોળી પૂરવામાં આવી હતી. ચોમેર દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા અને રાજ્યપાલશ્રીએ રામજ્યોતિ પ્રગટાવીને આનંદ ઉલ્લાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉપસ્થિત સૌને મીઠું મોઢું કરાવીને પ્રસંગની વધામણી વહેંચી હતી.ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે.ગુજરાતે વડાપ્રધાનશ્રીની આ અપીલનો ઉમંગ ઉલ્લાસ સાથે પ્રતિસાદ આપતાં નગરો, મહાનગરો, ગામોમાં ઠેરઠેર દિપોત્સવનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સંઘ્યા સમયે તેમના ગાંધીનગર સ્થિત સત્તાવાર નિવાસસ્થાને દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી આ અવસરના વધામણાં કર્યા હતા.રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓના નિવાસ સંકુલમાં પણ દિવડા પ્રગટાવીને અયોધ્યા મંદિરમાં રામલલ્લાના બિરાજમાન થવાના ઉમંગ અવસરની રામ જ્યોત પ્રજ્વલિત કરીને ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાતે વડાપ્રધાનશ્રીના અહવાનને હર્ષોલ્લાસ સાથે ઝીલી લઇ પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સંધ્યા સમયે તેમના ગાંધીનગર સ્થિત સત્તાવાર નિવાસસ્થાને દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી આ અવસરના વધામણાં કર્યા હતા.