ગુજરાતના સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન અધિનિયમ, 1951 હેઠળ 86 જાતિના વૃક્ષોને કાપવા માટે પરવાનગીમાંથી છૂટ આપવામાં આવી છે તે જાહેરનામું તાત્કાલીક રદ કરવા મુખ્યમંત્રી સમક્ષ કોંગ્રેસ પક્ષની માંગઃ ડૉ. મનિષ દોશી

Spread the love
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી


અમદાવાદ

મીલેનીયમ ટ્રી, “એક પેડ માં કે નામ” સહિત વૃક્ષારોપણના નામે કરોડો રૂપિયાની જાહેરાત કરતી ભાજપ સરકાર દ્વારા સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન અધિનિયમ (મુક્તી) ૧૯૫૧ હેઠળ ૮૬ જેટલા વૃક્ષોને કાપવા માટે પરવાનગી લેવાની ફરજમાંથી છૂટ આપવામાં આવી. જે ભાજપા સરકારની “ચોર ને કહે ચોરી કર, ચોકીદારને કહે ધ્યાન રાખ” તેવી બેધારી નિતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્ય શહેરોમાં વિકાસના નામે હજારો વૃક્ષો આડેધડ છેદન થઈ રહ્યું છે. વિકાસના પ્રોજેક્ટો સામે વર્ષો જુના વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. એકતરફ વૃક્ષારોપણના નામે કરોડો રૂપિયાની ફોટો ઈવેન્ટ – જાહેરાતો કરવામાં આવી રહી છે. બીજી બાજુ ભાજપ સરકાર દ્વારા No. GVN/2015/86/Forests/826/GH નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું હતું, જેના દ્વારા સૌરાષ્ટ્ર ફેલીંગ ઓફ ટ્રીઝ એક્ઝમ્પશન ઓર્ડર, ૧૯૫૧ હેઠળ કુલ ૮૬ જાતિના વૃક્ષોને કાપવા માટે પરવાનગી લેવાની ફરજમાંથી છૂટ આપવામાં આવી હતી. આ યાદીમાં લીમડો, બાવળ, પીપળ, સીરિસ, બોર, સરગવો, ઢાકડો, કાંજી, ગાંડો બાવળ, પળસ, છિંચ, ખાખરો, રોહિડો, અશ્વકંઠ, રાયણ જેવા અનેક સ્થાનિક દેશી વૃક્ષોનો સમાવેશ થાય છે. વૃક્ષોનું સંરક્ષણ માત્ર કાનૂની ફરજ જ નહીં પરંતુ આગામી પેઢી માટેનો નૈતિક ધર્મ પણ છે.
આવા મોટા પ્રમાણમાં વૃક્ષોને કાપવાની પરવાનગી માંથી મુક્તિ આપવાથી બિનયોજીત કાપકામ વધી ગયું છે. જે ઓક્સિજન આપે છે, છાંયો આપે છે અને પૃથ્વી પરનું તાપમાન નિયમન કરે છે, પક્ષીઓને આશરો આપે છે તે બિન-આયોજીત રીતે કપાઈ રહ્યા છે. દેશી પ્રજાતિઓના અંધાધૂંધી કાપકામથી જૈવ વૈવિધ્ય પર ગંભીર અસર થાય છે. મોટા વૃક્ષોના અભાવે અમદાવાદ, રાજકોટ, સુરત જેવા શહેરોમાં તાપમાન વધી રહ્યું છે. સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ગરમીનો તાપમાન વધારો, જળસ્તર ઘટવું અને પક્ષીઓ-વન્યજીવોના નિવાસસ્થાનો નાશ જેવા ખતરાં ઊભા થયા છે. આ જાહેરનામું ભારતના ક્લાઈમેટ એક્શન પ્રતિબદ્ધતાઓ અને સતત વિકાસ લક્ષ્યો વિરુદ્ધ છે. પરવાનગી વગર આવા સ્રોતોને નાશ કરવું, હટાવવું કે વ્યાપારી હેતુથી તેનો ઉપયોગ કરવો અધિનિયમના હેતુ વિરુદ્ધ છે. જળ સ્તર ઘટવું અને માટીનું ધોવાણ – વૃક્ષવિહોણા પ્રદેશોમાં વરસાદી પાણી જમીનમાં ઉતરતું નથી રણ વિસ્તારને આગળ અથવા માટીનું ધોવાણ વધે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પર્યાવરણ લક્ષ્યોનો ભંગ – બિનનિયંત્રિત વૃક્ષ કાપણી ભારતની ક્લાઈમેટ એક્શન પ્રતિબદ્ધતાઓ અને નેશનલ ગ્રીન મિશનના ઉદ્દેશો વિરુદ્ધ છે.
વિવિધ મોટા મોટા વિકાસ પ્રોજેક્ટના નામે આડેધડ વૃક્ષ છેદન, રાજ્ય સરકારની નિતિને લીધે તાપમાનમાં વધારો, માનવ સ્વાસ્થ્ય પર અસર અંગે રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલશ્રીને લેખિતમાં રજૂઆત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગરમીની અસર વૃક્ષો છાંયો અને બાષ્પોત્સર્જનથી તાપમાન ૨ થી ૫ સેન્ટીગ્રેડ ઓછું કરે છે. વૃક્ષ વિના વિસ્તારોમાં શરીરનું તાપમાન નિયંત્રણ બગડે છે. ચક્કર, બેહોશી, ક્યારેક ગરમીની આ અસર જીવલેણ થઇ જાય છે. ચામડી પર અસર વધારે તાપમાન અને સીધી સૂર્યકિરણો, સનબર્ન, ચામડીમાં એલર્જી, લાલાશ અને સોજો, લાંબા ગાળે સ્કિન કેન્સરનો જોખમ વધે છે. શ્વાસની તકલીફ વૃક્ષો ન હોવાથી હવામાં PM 2.5, PM 10 ધૂળકણો વધે છે. પરિણામે દમ, એલર્જી, બ્રોંકાઇટિસ વધે છે. હૃદય અને રક્તચાપ ગરમીથી શરીર પર વધારાનો દબાવ પડે છે. ઉચ્ચ રક્તચાપ, હાર્ટ એટેક જેવા જોખમો વધે છે, ખાસ કરીને વૃદ્ધોમાં, સગર્ભા સ્ત્રીઓ, અસસ્વસ્થ કે બીમાર લોકોને આ અસર જલ્દી થાય છે. ડિહાઈડ્રેશન અને કિડની પર અસર વધારે તાપમાન, પાણીની ખોટ, ડિહાઈડ્રેશન, લાંબા ગાળે કિડનીની કાર્યક્ષમતા પર ખરાબ અસર, માનસિક સ્વાસ્થ્ય હરીયાળી ન હોવાથી તણાવ, ચીડિયાપણું અને ડિપ્રેશન વધે છે. સંશોધન બતાવે છે કે વૃક્ષોવાળા વિસ્તારોમાં રહેતાં લોકોમાં માનસિક સ્વાસ્થ્ય વધારે સારું હોય છે.
ગુજરાતના સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન અધિનિયમ, 1951 હેઠળ 86 જાતિના વૃક્ષોને કાપવા માટે પરવાનગીમાંથી છૂટ આપવામાં આવી છે તે જાહેરનામું No. GVN/2015/86/Forests/826/GH, તાત્કાલિક રદ કરવામાં આવે, તમામ જાતિના વૃક્ષો કાપવા માટે ફરજિયાત પૂર્વ પરવાનગીની શરત ચાલુ કરવામાં આવે, જિલ્લા સ્તરે ટ્રી પ્રોટેક્શન કમિટી રચવામાં આવે જે કાપકામ પર નજર રાખી શકે, વૈકલ્પિક રૂપે, જો કોઈ ખાસ જાતિને પરવાનગી અપાવવી હોય તો સામાજિક ચર્ચા અને પર્યાવરણ અભ્યાસ કર્યા પછી જ નિર્ણય લેવો, વૃક્ષારોપણ અભિયાનને પ્રોત્સાહન મળે, પરંતુ સાથે-સાથે હાલના પરિપક્વ વૃક્ષોનું સંરક્ષણ સખત કાયદાકીય રીતે થાય, તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *