દેશના અન્ય રાજ્યો આજે બ્લોકચેન, QR કોડ, ડિજિટલ સિગ્નેચર અને DigiLocker જેવી આધુનિક ટેક્નોલોજી અપનાવીને વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવી રહ્યા છે : હેમાંગ રાવલ
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ મહિપતરામ રાવલે રાજ્ય સરકારના “ડિજિટલ ગુજરાત”ના દાવાઓ સામે ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું છે હતું કે ટેક્નોલોજીના આ યુગમાં પણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ની માર્કશીટ આજે પણ દાયકાઓ જૂના ફોર્મેટમાં જ આપવામાં આવી રહી છે. તેમણે આ પરિસ્થિતિને “વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેનો સંસ્થાગત અન્યાય” ગણાવીને સરકારની નીતિ અને ઈચ્છાશક્તિ પર પ્રશ્નચિહ્ન મૂક્યું છે.હેમાંગ રાવલે જણાવ્યું કે દેશના અન્ય રાજ્યો અને રાષ્ટ્રીય બોર્ડ્સ આજે બ્લોકચેન, QR કોડ, ડિજિટલ સિગ્નેચર અને DigiLocker જેવી આધુનિક ટેક્નોલોજી અપનાવીને વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવી રહ્યા છે, જ્યારે ગુજરાત બોર્ડ હજુ પણ પેપર આધારિત જૂની અને અસુરક્ષિત પ્રણાલીમાં અટવાયેલ છે. “ડિજિટલ ભારતના સમયમાં આવી જૂના જમાના ની માર્કશીટ ચલાવી ના લેવાય, સરકાર આ હકીકત સ્વીકારવા તૈયાર છે કે નહીં?” આ તફાવત માત્ર ટેક્નોલોજીનો નથી, પરંતુ વિદ્યાર્થીઓને મળતી તકો અને સુરક્ષાનો છે.
સરકાર “ડિજિટલ ગુજરાત”ના મોટા દાવા કરે છે, પરંતુ જ્યારે વિદ્યાર્થીઓની સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ એવા માર્કશીટમાં જ ડિજિટલ સુરક્ષા અને વૈશ્વિક સ્વીકૃતિનો અભાવ હોય, ત્યારે આ દાવાઓ માત્ર જાહેરાતો અને ભાષણો પૂરતા જ સીમિત રહી જાય છે.આ સ્થિતિના કારણે વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ફેક માર્કશીટ અને ડોક્યુમેન્ટ ફ્રોડની સંભાવનાઓ વધી રહી છે, વિદેશમાં અભ્યાસ અથવા નોકરી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં વિલંબ થાય છે અને ડિજિટલ સુવિધાના અભાવે વિદ્યાર્થીઓને અનાવશ્યક સરકારી ઓફિસના ધક્કાઓ અને આર્થિક બોજ સહન કરવો પડે છે.
કોંગ્રેસ રાજ્ય સરકાર પાસે માંગણી કરે છે કે ધોરણ 10 અને 12ની આ વર્ષે જાહેર થનાર માર્કશીટમાં તાત્કાલિક QR કોડ અને બ્લોકચેન આધારિત સુરક્ષા સિસ્ટમ લાગુ કરવામાં આવે, વિદ્યાર્થીનો ફોટોગ્રાફ, જન્મ તારીખ અને માતાનું નામ ફરજિયાત ઉમેરવામાં આવે, ડિજિટલ સિગ્નેચર સિસ્ટમ અમલમાં લાવવામાં આવે અને DigiLocker સાથે સંપૂર્ણ ઇન્ટિગ્રેશન કરવામાં આવે. આ તમામ સુધારાઓ માટે સરકાર દ્વારા સમયબદ્ધ એક્શન પ્લાન જાહેર કરવો જોઈએ.
સરકાર આ મુદ્દે તાત્કાલિક અને અસરકારક પગલા ભરીને ગુજરાતના વિધાર્થીઓના હિતનું ધ્યાન રાખે તેવો અનુરોધ છે.





